મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું -સ્મશાન સંબંધિત કોઈ પણ સેવા પર જીએસટી લાગતો નથી

સ્મશાન, દફનવિધિ, અંતિમસંસ્કાર પર લાગે છે જીએસટી એવી શોશ્યલ મીડિયામાં ફેલાયેલ અફવા બાદ નાણામંત્રીએ કર્યો ખુલાસો.

નવી દિલ્હી :  લોકસભામાં મોંઘવારી પરની ચર્ચામાં ભાગ લેતા નાણામંત્રી નિર્મલા સીતારામણ આ સંબંધિત એક મોટો ખુલાસો કર્યો છે. સીતારમણે કહ્યું કે સ્મશાન, દફનવિધિ, અંતિમ સંસ્કાર કે ડેડબોડી સંબંધિત સેવાઓ પર કોઈ જીએસટી વસૂલાતો નથી. આ તમામ સેવાઓને જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે પરંતુ સ્મશાનના બાંધકામ પર જીએસટીનો સ્ટાન્ડર્ડ રેટ લાગુ પડશે. 

 થોડા સમય પહેલા દેશમાં એવી ચર્ચા ઉઠી હતી કે સરકાર સ્મશાન સેવા પર પણ જીએસટી વસૂલી રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ પણ થયો હતો પરંતુ હવે સરકારે આ અંગે સત્તાવાર ખુલાસો કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે સરકારે સ્મશાન, દફનવિધિ, અંતિમ સંસ્કાર પર જીએસટી લાગુ પાડ્યો છે જોકે ત્યારે પણ પીઆઈબીના ફેક્ટચેકમાં આ વાત ખોટી પુરવાર થઈ હતી. 

સરકારે તે વખતે ખુલાસો કર્યો હતો કે સ્મશાનના બાંધકામ, જાળવણી અથવા ઇન્સ્ટોલેશન જેવા કામ હાથ ધરવા માટે જારી કરાયેલા કામોના કરારો પર 18% જીએસટી લાગે છે. તે મુજબ પીઆઈબીએ સ્પષ્ટતા કરી હતી કે 18 ટકા જીએસટી માત્ર કામના કોન્ટ્રાક્ટ માટે જ લાગુ પડે છે, સેવાઓ માટે નહીં. સરકારી અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અંતિમ સંસ્કાર, દફનવિધિ, સ્મશાનગૃહ અથવા શબવાહિની સેવાઓ પર કોઈ જીએસટી નથી અને આ સંદર્ભમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારને પૂરા પાડવામાં આવતા કામોના કોન્ટ્રાક્ટ અને રસ્તા, પુલો, ટનલ, રેલવે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાન વગેરેના નિર્માણ પર જીએસટીનો દર વધીને 18 ટકા થયો છે

(8:23 pm IST)