મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

પાર્થ ચેટર્જી પર મહિલાએ ચંપલ ફેંક્યું ! : મહિલાએ કહ્યું - તેના માથામાં ચંપલ વાગ્યું હોત તો સારું થતું

ગરીબો ખૂબ મહેનત કરીને પૈસા કમાય છે અને પાર્થ જેવા લોકોને મોંઘી કારોમાં લઈ જવામાં આવે છે : ચંપલ ફેંક્યા પછી મહિલાએ રોષ ઠાલવ્યો

નવી દિલ્લી તા.02 : પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજીને દર 48 કલાકે ESIC હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવે છે. ત્યારે આજે મેડિકલ ટેસ્ટ કરાવી પરત ફરતા સમયે પાર્થ ચેરટજી પર એક રોષે ભરાયેલ મહિલાએ ચંપલ ફેંક્યું હતું.

ચંપલ ફેંક્યા પછી મહિલાએ કહ્યું- ગરીબો ખૂબ મહેનત કરીને પૈસા કમાય છે અને પાર્થ જેવા લોકોને મોંઘી કારોમાં લઈ જવામાં આવે છે. હું ઉઘાડા પગે ચાલીશ, તેણે જનતાના પૈસા લૂંટ્યા છે તેમ છતાં તેને AC કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. મહિલાએ કહ્યું કે, મને લાગે છે કે તેના માથામાં ચંપલ વાગ્યું હોત તો સારું થતું.

આ પહેલાં આજે સવારે અર્પિતાએ EDને નિવેદન આપ્યું કે જે પૈસા તેના ફ્લેટ પરથી મળ્યા છે તે તેના નથી અને તે કોના પૈસા છે તે વિશે તેને ખબર નથી. જ્યારે પાર્થ ચેટરજીએ કહ્યું હતું કે, મને કાવતરું ઘડીને ફસાવવામાં આવી રહ્યો છે. પાર્થ અને અર્પિતાની 6 પ્રોપર્ટી પર આજ સવારથી ફરી દરોડા પાડવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરતાં ઈડીએ સોમવારે રાતે અર્પિતા મુખરજીના બેલઘરિયાના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ અહીં અપાર્ટમેન્ટના CCTV ફૂટેજ તપાસ્યા અને એન્ટ્રી ડાયરી પણ જોઈ. તપાસ પછી અધિકારીઓએ એન્ટ્રી ડાયરી અને માય ગેટ એપના ડેટા જપ્ત કરી લીધા છે. અપાર્ટમેન્ટના સચિવ અમિત ચોરસિયાએ મીડિયાને જણાવ્યું કે, ટેક્નિકલ કારણોથી CCTV ફૂટેજ મળી શક્યા નથી. તેને સુરક્ષીત રાખવાનો આદેશ આપ્યો છે.

27 જુલાઈએ EDએ અર્પિતાના બેલઘરિયાના આ જ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી અંદાજે 28 કરોડની કેશ મળી હતી. 18 કલાક ચાલેલા આ દરોડામાં EDની ટીમને 5 કિલો સોનું પણ મળ્યું હતું. ફલેટમાંથી આટલી બધી કેશ મળ્યા પછી અર્પિતાએ પહેલીવાર સ્વીકાર્યું હતું કે, આ રકમ પાર્થ ચેટરજીની છે.

(11:27 pm IST)