મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

રાજસ્થાનના મંત્રીનો રાજ્યસભા ચૂંટણીમાં મતના ખરીદ વેચાણને લઇ ચોકાવનારો દાવો : કહ્યું – મત માટે 25 કરોડની ઓફર મળી હતી

2020માં રાજકીય સંકટ દરમિયાન તેમની પાસે 60 કરોડનો પ્રસ્તાવ હતો, તેમના પરિવારે કહ્યુ, તે ઇજ્જત ઇચ્છે છે, પૈસા નહી : રાજેન્દ્ર ગુઢાનો દાવો

જયપુર તા.02 : રાજસ્થાનના કોંગ્રેસનાં ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ મતનાં ખરીદ વેચાણને લઇને મોટો દાવો કર્યો છે. રાજસ્થાનના સૈનિક કલ્યાણ રાજ્યમંત્રી અને BSP છોડી કોંગ્રેસમાં આવેલ રાજેન્દ્ર ગુઢાએ કહ્યું હતું કે, ગત રાજ્યસભા ચૂંટણીમાં તેમને એક ઉમેદવારને મત આપવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

ગુઢાએ એવો પણ દાવો કર્યો છે કે 2020માં રાજ્યમાં રાજકીય સંકટ દરમિયાન તેમની પાસે 60 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હતો. પરંતુ તેમના પરિવારના સભ્યોએ તેમને કહ્યુ હાતું કે, તે ઇજ્જત ઇચ્છે છે, પૈસા નહી, માટે તેમણે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ગુઢાએ જોકે, આવો પ્રસ્તાવ આપનારા નેતા અથવા પાર્ટીનું નામ લીધુ ન હતુ.

મંત્રી રાજેન્દ્ર ગુઢાએ ઝુંઝુનૂની એક સ્કૂલ સમારંભમાં આ વાત કરી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ પૂછ્યુ કે, ભ્રષ્ટાચાર પર અંકુશ કેવી રીતે લગાવી શકાય છે, જેના જવાબમાં ગુંઢાએ કહ્યુ, ગત રાજ્યસભા ચૂંટણીમાં મારી પાસે એક વ્યક્તિને પોતાનો મત આપવા માટે 25 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હતો. છતા પણ મે પોતાની પત્નીને પૂછ્યુ તો તેમણે કહ્યુ, અમે ઇજ્જત ઇચ્છીએ છીએ.

મંત્રીએ કહ્યુ, હું તમને એણ પણ જણાવવા માંગીશ કે 2020માં જ્યારે રાજ્યમાં રાજકીય સંકટ ચાલતુ હતુ ત્યારે પણ મારી પાસે 60 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હતો. મે પોતાના પરિવાર સાથે વાત કરી, મારી પત્ની, પુત્ર અને દીકરીએકહ્યુ કે તેમણે પૈસા નહી પણ ઇજ્જત જોઇએ. ગુઢાએ વિદ્યાર્થિને કહ્યુ, જ્યારે તમારી સાથે રહેનારા આવુ વિચારશે તો બધુ બરાબર થઇ જશે.

મહત્વપૂર્ણ છે કે ગુઢા તે છ ધારાસભ્યમાંથી એક છે જેમણે 2018ની વિધાનસભા ચૂંટણી બસપાની ટિકિટ પર જીતી હતી અને 2019માં કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. જુલાઇ, 2020માં તત્કાલીન ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે પાર્ટીના 18 અન્ય ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી અશોક ગહેલોત પ્રત્યે બળવો કર્યો તો ગુઢા ગહેલોતના જૂથમાં હતા.

નવેમ્બર 2021માં કેબિનેટ વિસ્તાર દરમિયાન ગુઢાને સૈનિક કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ગહેલોત કેટલીક વખત આ આરોપ લગાવી ચુક્યા છે કે ભાજપે ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર કરી તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે જૂનમાં રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ તિવારી હતા. પાર્ટીએ આ સાથે જ અપક્ષ ઉમેદવાર અને મીડિયા બિઝનેસમેન સુભાષ ચંદ્રાનું સમર્થન કર્યુ હતુ. જોકે, સુભાષ ચંદ્રાએ હારનો સામનો કરવો પડ્યો હતો અને સત્તા પર રહેલી કોંગ્રેસના ત્રણ ઉમેદવાર અને ભાજપના એકમાત્ર ઉમેદવારે જીત મેળવી હતી.

(9:22 pm IST)