મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

અલ ઝવાહિરીના મોત પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોવાની જાણ થતાં જ અફઘાનિસ્તાને લીધો બદલો

તાલિબાને પાકિસ્તાનની ISIના કમાન્ડરનું હેલિકોપ્ટર તોડી પાડ્યું, કમાન્ડર સહિત 6 લોકોના મોત

નવી દિલ્લી તા.02 : અમેરિકી તપાસ એજન્સી CIAએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઝવાહિરીને ડ્રોન હુમલામાં મારી નાંખ્યો છે. જેમાં પાકિસ્તાનનો પણ હાથ હોવાની જાણ થતાં જ અફઘાનિસ્તાનની સરકારે તાત્કાલિક બદલો લીધો છે અને પાકિસ્તાનની ISIના કમાન્ડરનું હેલિકોપ્ટર તોડી પડ્યું છે. જેમાં કમાન્ડર સહિત 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને મારી નાંખ્યો છે. એ વાતથી આગબબુલા થયેલા અફઘાનિસ્તાને તેના નેતાનો બદલો લેવા માટે ISIના નજીકના કમાન્ડર સરફરાઝના હેલિકોપ્ટરને ઉડાવી દીધું છે. જેમાં કમાન્ડર સરફરાઝનું મોત થયું છે. અફઘાનિસ્તાનની આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે એ વાત સામે આવી છે કે અલ-ઝવાહિરીને મારવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનો હાથ છે.

અફઘાનિસ્તાન હુમલામાં માર્યો ગયેલો કમાન્ડર સરફરાઝ ISIનો ખાસ હતો અને DGMI પણ રહી ચુક્યો છે. આ હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અન્ય આતંકવાદી સંગઠનોએ અફઘાનિસ્તાનનું સમર્થન કર્યું છે. અલકાયદાએ બલૂચ આતંકવાદીઓ સાથે મળીને હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું. આ ઘટના બાદ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનામાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે સરફરાઝ કોર્પ્સ કમાન્ડર હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલ-ઝવાહિરીને મારવામાં પાકિસ્તાનનો હાથ છે અને પાકિસ્તાનની સેના અલ-ઝવાહુરીની દરેક હિલચાલથી વાકેફ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માહિતી પણ સામે આવી છે કે, પાકિસ્તાને પૈસા લઈને અલ-ઝવાહિરીની હત્યા કરાવી છે. અમેરિકા પાસેથી મજબૂત ફંડ મેળવવાની વાત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવા અમેરિકામાં ઘણા લોકોના સંપર્કમાં હતા. પાકિસ્તાને થોડાં દિવસ પહેલા જ ફંડની માંગણી કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાએ અલ-કાયદાના નેતા અલ-જવાહિરીને મારવા માટે, પાકિસ્તાની બેઝનો ઉપયોગ કર્યો હતો. જોકે આ વાતને પાકિસ્તાની સેનાએ સ્પષ્ટપણે નકારી કાઢી છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 31 જુલાઇના રોજ સવારે 6.18 કલાકે અલ-ઝવાહિરીની US દ્વારા હત્યા કરવામાં આવી હતી. અલઝવાહિરી કાબુલના શેરપુર વિસ્તારમાં છુપાયેલો હતો અને બાલ્કનીમાંથી બહાર આવતાની સાથે જ US ડ્રોને તેને ઠાર માર્યો હતો.

અલ ઝવાહિરી અમેરિકાના 9/11 બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો અને ઓસામા બિન લાદેનની હત્યા પછી અમેરિકા અલ ઝવાહિરીને શોધી રહ્યું હતું. અમેરિકાને માહિતી મળી હતી કે, તે અફઘાનના કાબુલમાં છુપાયો છે અને તક મળતા અમેરિકાએ ડ્રોનથી તેને ઉડાવી દીધો હતો.

(11:46 pm IST)