મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

મોંઘવારી મુદ્દે નાગૌરના સાંસદ બેનીવાલે કેન્દ્ર સરકારને ઘેરી:કહ્યું- નિશ્ચિત ઉપાયો અનિવાર્ય

ગરીબ અને મધ્યમવર્ગ ઉપર ઘણી જ ખરાબ અસર થઇ છે. જેઓનાં ખિસ્સાં અને પેટ ખાલી છે, તેમને માર પડે છે

રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે દેશમાં વધતી જતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે : દેશમાં સતત વધતી મોંઘવારીને લીધે સામાન્ય માનવીને અસર થાય છે; માટે તે રોકવા સખત ઉપાયો કરવા અનિવાર્ય છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે લોકસભામાં નિયમ ૧૯૩ નીચે વધતી જતી મોંઘવારી ઉપરની ચર્ચામાં ભાગ લેતાં તેઓે મોંઘવારી કાબુમાં રાખવા માટે કઠોર પગલાં લેવાની માગણી કરતાં કહ્યું હતું કે સદનમાં મોંઘવારી વિષે ચર્ચા હાથ ધરાઈ રહી છે, તે એક સારી વાત છે. પરંતુ તે રોકવા માટે તો સરકારે કડક પગલાં લેવાં જ પડે. સરકાર તે અંગે ગંભીર નથી લાગતી.

તેમણે કહ્યું કે અત્યારે મોંઘવારી જે સ્તરે પહોંચી છે તેની ગરીબ અને મધ્યમવર્ગ ઉપર ઘણી જ ખરાબ અસર થઇ છે. જેઓનાં ખિસ્સાં અને પેટ ખાલી છે, તેમને માર પડે છે, અને જેમની તિજોરીઓ ભરેલી છે, તેમને કરમાં છૂટ અપાય ચે.

વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪માં કોંગ્રેસનાં નેતૃત્વમાં બનેલી યુપીએ સરકાર સમયે પણ ઘણી જ મોંઘવારી હતી ત્યારે ભાજપે નારો આપ્યો હતો. ‘બહુત હુઈ મહંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર’ અને જનતાએ એક વખત નહીં બીજી વખત પણ વિશ્વાસ રાખીને NDA ને સત્તા સ્થાને મુક્યું પરંતુ વધતી જતી મોંઘવારીની વાત લઇએ તો તેની ઉપર કાબુ રાખવા વર્તમાન સરકારે કોઈ નક્કર પગલાં લીધાં જ નથી.

(12:54 am IST)