મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

રાજસ્થાનમાં ૫૦ ટકા ઘરોમાં શૌચાલય જ ન બનાવાયાં

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો રિપોર્ટ : યોજનાના નામે તે સમયના શાસક પક્ષ ભાજપે કરોડોનો ધૂમાડો કર્યો હતો અને એમાંથી ઘણાં નાણાં ચવાઈ ગયાં

નવી દિલ્હી, તા. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત ૫૦ ટકા ઘરોમાં શૌચાલય બનાવાયાં હોવાનું બહાર આવ્યું છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના રિપોર્ટમાં જણાવાયા મુજબ રાજસ્થાનના સાત જિલ્લામાં ચેક અપ હાથ ધરાયું હતું. બારાં, બીકાનેર, ભરતપુર, દૌસા, જોધપુર, ટોંક અને ઉદયપુરની ૫૯ ગ્રામ પંચાયતો દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૯૦ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. ૨૯૦ ઘરોમાં શૌચાલય નહોતાં. મજાની વાત છે કે રાજસ્થાનને ૨૦૧૮માં ખુલ્લામાં જાજરૂ કરવાની ગંદી પરંપરાથી મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું.

કેગના રિપોર્ટમાં જણાવાયા મુજબ ૫૯૦ ઘરોમાંથી ૩૫૮ ઘરોમાં અર્થાત્ ૬૦ ટકા ઘરોમાં વીજળી નહોતી. એજ રીતે ૫૯૦માંથી આશરે ૧૯૧ ઘરોમાં એટલે કે લગભગ ૩૩ ટકા ઘરોમાં એલપીજી ગેસની વ્યવસ્થા નહોતી. ૫૯૦માંથી માત્ર ૨૬ ઘરોમાં પાઇપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ૭૩ ઘરોમાં હજુ પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા નહોતી. ૫૯૦ ઘરોમાં માત્ર ૩૯૧ ઘરો પાક્કાં બાંધકામવાળાં હતાં. બાકીના ઘરોમાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી જેમને ફાળવ્યા હતા લોકો હજુ રહેવા માટે આવ્યા નહોતા.

એનો અર્થ થયો કે પ્રધાન મંત્રી આવાસ યોજનાના નામે ત્યારના શાસક પક્ષ ભાજપે  કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો અને એમાંથી ઘણાં નાણાં ચવાઈ ગયાં હતાં.

(12:00 am IST)