મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ભૂખથી ૭ વર્ષના બાળકનું મોતઃ ૩ દિવસ સુધી મૃતદેહને સાફ કરતી રહી માતા જેથી કીડીઓ ખાય નહીં

માતા હતી ડોકટર અને લોકડાઉન બાદ બંધ કરવું પડ્યું કિલનિકઃ પડોશીઓને મહિલા ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી તો તેમણે પોલીસને જાણ કરી અને સમગ્ર ઘટના સામે આવી

ચેન્નઈઃ તામિલનાડુના તિરુનિન્દ્રવુરમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. સાત વર્ષના સેમ્યુઅલનું અહીં ભૂખમરાથી મોત થયું. ત્રણ દિવસ સુધી બાળકની માતા સરસ્વતી તેના મૃતદેહની પાસે બેઠી અને તેને લૂછી રહી હતી કે જેથી તેના શરીર પાસે કીડીઓ ન આવે. આ વિસ્તાર રાજયની રાજધાની ચેન્નઇથી થોડાક કિલોમીટર દૂર છે.

બાળકના મૃત્યુની ઘટના ત્યારે સામે આવી જયારે સરસ્વતીના દ્યરમાંથી પડોશીઓએ દુર્ગંધ આવવા લાગી હતી. જેથી પાડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસ સરસ્વતીના દ્યરે પહોંચી અને અંદર જોઈને તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા. તેમણે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઈન્સ્પેકટર ગુણાસેકરને જણાવ્યું કે આ દ્રશ્ય જોઇને તેમની ટીમ પણ હચમચી ઉઠી હતી.ગુણાસેકરે કહ્યું કે પોલીસ ટીમે દરવાજો ખટખટાવ્યો. સરસ્વતીએ દરવાજો ખોલ્યો અને પોલીસને બાળકના મૃતદેહ તરફ દોરી ગઈ. તેણે પોલીસને કહ્યું કે તેના પુત્રના મૃતદેહને કીડીઓ ખાઈ શકે છે એટલા માટે તેણે થોડા સમય માટે અહીંથી દૂર ગઈ નથી. પોલીસે કહ્યું કે ભૂખના કારણે બાળકનું શરીર હાડપિંજર જેવું લાગતું હતું.

પોલીસે જણાવ્યું કે તેઓએ સરસ્વતીના પરિવાર સાથે વાત કરી. તેમને કહ્યું કે તે માનસિક રીતે બીમાર છે. સાત વર્ષ પહેલા તે તેના પતિ જોસથી અલગ થઈ ગઈ હતી. તે સીટીએચ રોડ પર મકાનના બીજા માળે રહે છે, જયારે તેના અન્ય સંબંધીઓ પહેલા માળે અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે.

સરસ્વતી પહેલા હોમિયોપેથીની ડોકટર હતી. તેણી પાસે કિલનિક હતું, તે લોકોની સારવાર કરતી હતી. પતિથી અલગ થયા પછી તેની માનસિક સ્થિતિ કથળવાની શરૂઆત થઈ. મિલકતને લઈને તેના સબંધીઓ સાથે વિવાદ પણ થયો હતો. તે બેંગલુરુમાં રહેતા તેના ભાઈ સામે પ્રોપર્ટી કેસ પણ લડી રહી છે. તે પોતાના કામમાં ધ્યાન આપી શકતી નહોતી. લોકડાઉન થયા પછી સરસ્વતીનું કિલનિક બંધ કરાયું હતું. તેની પાસે જમવા માટે પણ કંઈ બચ્યું નહોતું.

પોલીસે જણાવ્યું કે સરસ્વતીના સસરા અને કેટલાક સબંધીઓ કેટલીકવાર તેના દ્યરે આવતા. બંને લગભગ ચાર મહિના પહેલા તે બંને તેમના દ્યરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ સબંધીઓ દ્વારા બંનેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે તેમની સારવારમાં દોઢ લાખ રૂપિયા ખર્ચાયા હતા. સરસ્વતી છેલ્લા બે અઠવાડિયાથી તેના દ્યરની અંદર જ બંધ હતી. તેણે દ્યરના દરવાજા ખોલ્યા ન હતા.

(11:09 am IST)