મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયાના પિતા ઇન્‍દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરાશેઃ પુરાવા અને તપાસના આધારે સીબીઆઇને હવે આ આત્‍મહત્‍યાનો કેસ હોવાનું પ્રાથમિક તારણ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ આજે રિયા ચક્રવર્તીના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરશે. પરિવારના બાકીના સભ્યોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં નથી. સોમવારે સીબીઆઈએ મુંબઈના ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં રિયા ચક્રવર્તીના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી સહિત 8 લોકોની પૂછપરછ કરી. સીબીઆઈએ ઈન્દ્રજીત અને સંધ્યા ચક્રવર્તી પાસેથી સુશાંત અને રિયાના સંબંધ વિશે જાણકારી લીધી.

હવે આત્મહત્યા એંગલથી કરશે તપાસ

અત્રે જણાવવાનું કે સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ હવે આત્મહત્યા માટે ઉક્સાવવાના એંગલથી તપાસ હાથ ધરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈને સુશાંતના મોતને લઈને કોઈ ષડયંત્ર જોવા મળતું નથી. પુરાવા અને તપાસના આધારે સીબીઆઈને હવે આ આત્મહત્યાનો કેસ જ લાગી રહ્યો છે.

NCBની તપાસમાં પહેલી ધરપકડ થઈ

સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પહેલી ધરપકડ કરી. NCBએ મુંબઈમાં એક ડ્રગ સપ્લાયરની પહેલા પૂછપરછ કરી. ત્યારબાદ તેની ધરપકડ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિ રિયાના ભાઈ શોવિકને ઓળખે છે.

9 કલાક થઈ ગૌરવ આર્યની પૂછપરછ

સુશાંત કેસમાં હોટલ કારોબારી ગૌરવ આર્યની પણ ગઈ કાલે ઈડીએ 9 કલાક પૂછપરછ કરી. ગૌરવ આર્યનું નામ વોટ્સએપ ચેટ પર ડ્રગ્સને લઈને સામે આવ્યું હતું. ગૌરવ આર્યએ કહ્યું કે તે સુશાંત સિંહને ક્યારેય મળ્યો નથી.

(4:31 pm IST)