મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જેલી આફતોમાં ભારત ફસાઇ ગયું : રાહુલગાંધી

કોંગ્રેસના નેતાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારઃ કોરોના, ઈકોનોમી, ચીન ઘુસણખોરી સહિતના મુદ્દે ટીકા

નવી દિલ્હી, તા. ૨ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટર કરીને નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બુધવારે દેશમા કોરોનાના વધતા કેસ, ખોટી જીએસટી, ચીનના સૈનિકોની ઘુસણખોરીના મુદે ટ્વીટ કરીને મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, ભારત મોદીએ કરેલી આપત્તિઓ વચ્ચે ફસાઈ ગયું છે. રાહુલે આ સાથે કેટલાક મુદ્દા પણ ટાંક્યા હતા જેમા, જીડીપીમાં માઈનસ ૨૩.૯ ટકાનો ઐતિહાસિક ઘટાડો, ૪૫ વર્ષમા પ્રર્વતેલી સૌથી વધુ બેરોજગારી, ૧૨ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી,  કેન્દ્ર સરકાર રાજ્યોને તેમના જીડીપીની ચુકવણી પણ કરતી નથી, કોરોનાથી દરરોજ સૌથી વધુ પોઝીટીવ કેસ અને ઉંચો મૃત્યુદર અને  ભારતની સીમાએથી થઈ રહેલી ચીનની  ઘુસણખોરીનો સમાવેશ થાય છે.

બીજી તરફ, પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, સામાન્ય માણસ ભલે જીડીપીનો અર્થતંત્ર પરનો પ્રભાવ ના સમજી શકે, પર તેઓએ જરૂરથી સમજે છે કે, નોટબંધી, ખોટી જીડીપી, દેશબંધીના ડિઝાસ્ટર સ્ટ્રોકને માસ્ટર સ્ટ્રોક દેખાડવુ એ સફેદ અસત્ય છે. છ મહિનાથી ડુબેલા અર્થતંત્રનો આરોપ ભગવાન પર લગાવવો એ અપરાધ છે. આ પરિસ્થિતિને સામાન્ય માણસની કમર તોડવાનું કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના નેતાએ ૩૦ ઓગસ્ટના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો અને તેમા કહ્યુ હતુ કે, ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષોમા પહેલી વાર ભીષણ મંદીમા છે. અસત્યાગ્રહી પોતાના દોષને ઇશ્વરનુ નામ આપી દે છે. નોટબંધી, ખોટી જીએસટી અને લોકડાઉન ઇન-ફોર્મલ ઇકોનોમી પર હુમલો તેના ત્રણ મોટા ઉદાહરણો છે.

(9:38 pm IST)