મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

કેન્દ્રએ યોજના જણાવી

અનલોક-૫ : સ્કૂલ - કોલેજોના તાળા કયારે ખોલાશે ?

નવી દિલ્હી તા. ૨ : દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોની વચ્ચે ૨૧ સપ્ટેમ્બરથી અનેક રાજ્યોમાં શાળાઓ આંશિક રૂપે ખોલવામાં આવી છે. જોકે મોટાભાગના રાજ્યોમાં શાળાઓ હજી બંધ છે. રાજ્ય સરકારોની સાથે બાળકોના માતાપિતા કોરોના વાઇરસના વધતા કેસોને કારણે બાળકોને સ્કૂલે મોકલવા વિશે નક્કર નિર્ણય નથી લઇ રહ્યા. કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો સહિત બધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના નિયમોને જણાવતા અનલોક-૫ના દિશા-નિર્દેશો જારી કર્યા હતા.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તબક્કાવાર રીતે સ્કૂલો - કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ કલાસિસ ખોલવા માટે લવચિકતા રાખવા કહેવામાં આવ્યું છે. તેઓ નિયમોને આધારે ૧૫ ઓકટોબર, ૨૦૨૦ પછી એને ફરી ખોલવાનો નિર્ણય લઇ શકશે. જોકે એના માટે સરકારો સ્કૂલો - સંસ્થાના મેનેજમેન્ટથી વિચારવિમર્શ કરીને અને ગાઇડલાઇન્સનું પાલન કરીને ખોલી શકશે. જોકે હાલના કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શિક્ષણ એ ફિઝિકલ શિક્ષણ સેશન્સ કરતા વધુ પસંદગીની પધ્ધતિ છે. ઓનલાઇન શિક્ષણ જારી રહેશે અને એને સતત પ્રોત્સાહિત કરાશે. જે સ્કૂલો ઓનલાઇન કલાસિસ ચલાવી રહી છે અને જે વિદ્યાર્થી સ્કૂલને બદલે ઓનલાઇન શિક્ષણ લેવા ઇચ્છતો હશે એને તેમ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન અને એજ્યુકેશન મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરીને કોલેજ - ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લે એવી શકયતા છે. ઓનલાઇન કલાસિસને પણ જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

પીએચડી માટે ૧૫ ઓકટોબર, ૨૦૨૦થી લેબ અને પ્રેકિટકલ કલાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સાયન્સ ટેકનોલોજીના કલાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

MHAએ કન્ટેનમેન્ટ ઝોનની બહારના ક્ષેત્રોમાં વધુ કામગીરીઓ ખોલવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. આ દિશા-નિર્દેશો એક ઓકટોબર, ૨૦૨૦થી લાગુ કરવામાં આવ્યા. નવા દિશા-નિર્દેશો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ફીડબેક અને સંબંધિત મંત્રાલયો અને વિભાગોની સાથે ચર્ચા-વિચારણા પર આધારિત છે.

(10:05 am IST)