મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

દેશના શાળા યુનિફોર્મ ઉદ્યોગ ઉપર માઠી અસર

દેશભરમાં કાપડની બજારમાં કાળમુખા કોરોનાની અસર

મુંબઇ, તા. ૨ : કોરોના એ વર્ષ ૨૦૨૦ શરૂ થયું ત્યારથી જ લગભગ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે અને હજુ આજની તારીખે પણ કોરોના નથી ગયો તેવામાં કોરોનાની માઠી અસર દેશના લગભગ બધા જ ઉદ્યોગોમાં થઇ છે ત્યારે શાળાના યુનિફોર્મ બનાવતા ઉદ્યોગોમાં પણ કોરોનની ખુબ માઠી અસર જોવા મળી છે.

વર્ષ ૨૦૨૦નું શૈક્ષણિક સત્ર લગભગ અડધું પૂરું થવામાં છે ત્યારે શાળાઓ ખુલશે કે કેમ એ પણ સવાલ છે અને શાળાઓ ખયાલશે ત્યારે તેના નવા નિયમો પણ કેવા હશે તે માટે પણ હજુ અનેક અટકળો ચાલી રહી છે.

દેશના કુલ ૨૦ હજાર યુનિફોર્મ કાપડ ઉદ્યોગમાં સ્ટોક જમા પડ્યો છે.  સૂરત કાપડ માર્કેટનું હબ માનવામાં આવે છે, ત્યારે સુરતમાં વર્ષના એક હજાર કરોડના યુનિફોર્મ અને ડ્રેસ મટીરીયલ્સનો ધંધો થાય છે. સૂરતમાં અઢીસો જેટલા ઉદ્યોગો યુનિફોર્મ સાથે જોડાયેલા છે.

ડિસેમ્બરથી યુનિફોર્મ ઉદ્યોગો ધમધમતા થઇ જતા હોય છે. શાળાઓ ખુલે તે અગાઉ યુનિફોર્મનો ફૂલ સ્ટોક બજારમાં રહે તેવી તૈયારી સાથે યુનિફોર્મ માર્કેટ તૈયાર હોય છે પરંતુ આ વર્ષે વર્ષની શરૂઆતમાં જ કોરોનાએ વર્ષની કાયાપલટ કરી નાખી છે ત્યારે યુનિફોર્મ સ્ટોકિસ્ટ, વિક્રેતાઓ પાસે અંદાજે ૧૦૦ કરોડ જેટલા માલનો ભરાવો થઇ ગયો છે. 

મિલો માં ૩૦% ઉત્પાદન જ

 મુંબઈના યુનિફોર્મ કાપડ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે ૩૦% ઉત્પાદન જ શકય બને છે મુંબઈ મિલ માલિકો, પાવરલૂમ નિર્માતા,ભિવંડી, ગોરખપુર, ભીલવાડા, લુધિયાણા, બાલતોરા, વગેરે બજારમાં અંદાજે ૨ હજાર કરોડનો સ્ટોક અત્યારે જમા પડ્યો છે.

સોલાપુરના કારખાના બંધ

મહારાષ્ટ્રના સોલાપુરને  યુનિફોર્મનું હબ માનવામાં આવે છે જયાં હજારો યુનિફોર્મ વિક્રેતાઓ ખરીદી માટે આવે છે. અત્યારે ઉત્પાદકો પાસે ૨૦૦ કરોડ રૂપિયા જેટલો સ્ટોક પડ્યો છે ત્યારે કારખાના હાલ બંધ છે અને કોરોના સંકટ વચ્ચે ૧૫૦૦ જેટલા કારીગરો બેરોજગાર બન્યા છે.

(11:22 am IST)