મુખ્ય સમાચાર
News of Thursday, 2nd December 2021

હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી

શ્રીમંત વૃધ્ધ માતા-પિતાને તેમના સંતાનો મિલકત માટે હેરાન કરી રહ્યા છે

 

મુંબઇ,તા.૨: આપણી આજુ-બાજુમાં ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે જયાં સંતાનો દ્વારા વૃધ્ધ માતા-પિતાને જોઇતું સન્માન મળતું નથી. ઘણીવાર આવા કિસ્સાઓમાં વાલીઓ ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો પણ લે છે.

બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં આવા જ એક કેસમાં વૃદ્દ પિતાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. વૃદ્દ પિતાએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

પિતાના ફલેટ પર ગેરકાયદેર રીતે કબજો જમાવીને બેઠેલી પુત્રીને તે ફલેટ તાત્કાલિક ધોરણે પરત કરવાનો હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો. જો કે આ પ્રકારના કેસો દિવસે-દિવસે વધી

રહ્યા છે, ત્યારે આવા કેસોની વધતી સંખ્યા પર પણ હાઇ કાર્ટે ચિંતા વ્યકત કરી હતી.

જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની અધ્યક્ષતાવાળી મુંબઇ હાઇ કોર્ટની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી ચાલી હતી. જે કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી, તેમાં યુવતી ૨૦૧૫ સુધી જર્મનીમાં  રહેતી હતી.

પરંતુ ત્યારબાદ તે ભારત પરત ફરી હતી. તેના પિતાનો દક્ષિણ મુંબઇના અલ્ટામાઉન્ટ રોડ વિસ્તારમાં આલિશાન ફલેટ આવેલો છે. તેના પિતા સાથે તે ત્યાં રહેવા લાગી હતી.

દીકરી કેટલાંક દિવસ રહીને પરત ફરશે, એવું યુવતિના પિતાનું માનવું  હતુ. પરંતુ તેમ ન થતાં તેમનામાં  વિવાદો ઉભા થયા હતાં, એ વિવાદ એટલો વધી ગયો કે તે યુવતિએ  ફલેટનો હિસ્સો લીધા વગર પરત ન ફરવાની માગણી કરીને ધમકી  આપી હતી.  દીકરીની આવી માગણી સામે  કોર્ટે તેને આડે હાથ લીધી હતી. 'પિતા જીવે છે ત્યાં સુધી શેનો હિસ્સો?  વાલી એની સંપતિ કોઇને પણ આપી શકે છે, તે તેમનો અધિકાર છે,  એમ કરવામાં તેમને કોઇ રોકી શકતું નથી. જયાં સુધી પિતા હયાત છે, ત્યાં સુધી દીકરીને મિલકતમાં કોઇ હિસ્સો મળી શકે નહીં,' એવું કોર્ટે સ્પષ્ટ  કહ્યું હતું.

(9:49 am IST)