મુખ્ય સમાચાર
News of Thursday, 2nd December 2021

હોટેલના ચોથા માળે બારીને અડીને જ આવેલા સોફા પરથી નીચે પટકાતા ૧II વર્ષની બાળકી નિત્યાનું મોત

ગોંડલ રોડ સત્ય પર આવેલી પાઇનવીટા હોટેલમાં બનાવથી અરેરાટીઃ સીસીટીવી ફૂટેજ થયા વાયરલ : પુનાથી સગાઇ પ્રસંગે આવેલા માનસીબેન હિતેષભાઇ ગોહેલ મોબાઇલમાં વ્યસ્ત હતાં અને દિકરી નીચે પડી ગઇ : ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ પરંતુ જીવ બચી શકયો નહિઃ માતા માનસીબેન આઘાતથી બેભાન થતાં સારવાર માટે દાખલ કરાયાઃ પરિવારમાં ગમગીની

તસ્વીરમાં જ્યાં બનાવ બન્યો તે પાઇનવીટા હોટેલ, જે રૂમમાંથી બાળકી પડી ગઇ તે રૂમ અને બારીને અડીને જ આવેલો સોફો (રાઉન્ડ કર્યુ છે તે) તથા નીચેની તસ્વીરમાં બાળકી પટકાઇ તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: શહેરના ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ નજીક આવેલી ધ પાઇનવીટા હોટેલમાં ચોથા માળે રૂમમાં બારી પાસે જ આવેલા સોફા પર રમતી રમતી ૧II વર્ષની બાળકી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પુનાથી સગાઇ પ્રસંગે આવેલા દંપતિએ લાડકવાયી ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો. રૂમમાં માતા મોબાઇલ ફોનમાં વ્યસ્ત હતી ત્યારે બાળકી અકસ્માતે નીચે પડી ગઇ હતી. આઘાતે લીધે માતા બેભાન થઇ જતાં તેણીને પણ સારવાર માટે દાખલ કરવી પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પુના (મહારાષ્ટ્ર) રહેતાં કડીયા માનસીબેન ગોહેલ તેના પતિ હિતેષભાઇ ગોહેલ અને દિકરી નિત્યા  (ઉ.વ.૧II) સાથે રાજકોટ હિતેષભાઇના મિત્ર મકવાણા પરિવારને ત્યાં સગાઇ પ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા આવ્યા હતાં. હિતેષભાઇ અને માનસીબેન ગોંડલ રોડ પર ધ પાઇનવીટા હોટેલના ચોથા માળે રૂમ નં. ૪૦૩માં રોકાયા હતાં. અહિ સવારે માનસીબેન અને તેની પુત્રી નિત્યા (ઉ.વ.૧II)

રૂમમાં હતાં. માનસીબેન મોબાઇલ ફોનમાં મેસેજ ચેક કરતાં હતાં ત્યારે દિકરી નિત્યા રૂમમાં સ્લાઇડીંગ બારીને લગોલગ આવેલા સોફા પર રમતી હતી. બારી ખુલ્લી હોઇ નિત્યા રમતી રમતી અકસ્માતે બારીમાંથી નીચે પટકાઇ ગઇ હતી.

અવાજ થતાં લોકો દોડી આવ્યા હતાં. બાળકી ઉંધી પછડાઇ હોઇ લોહીલુહાણ થઇ ગઇ હતી. પાર્કિંગમાંથી એક ડ્રાઇવર હોટેલમાં ઉપર દોડી ગયો હતો અને કોઇની બાળકી પડી ગઇ છે તેવી જાણ કરી બૂમાબૂમ કરતાં ચોથા માળે રહેલા માનસીબેનને દિકરી પડી ગયાની ખબર પડી હતી. બાળકી નિત્યાને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇ અને મિહીરસિંહ સહિતે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવને પગલે નિત્યાના માતા માનસીબેન પણ બેભાન થઇ જતાં તેને પણ દાખલ કરવા પડ્યા હતાં. તે ભાનમાં આવ્યા બાદ ખરેખર શું બન્યું તેનું નિવેદન પોલીસ નોંધશે. બાળકી નીચે પટકાઇ તેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં.

(3:28 pm IST)