IIT ના વિદ્યાર્થીઓને ૬ વર્ષ બાદ ફરી ઓફર થયુ ર કરોડથી વધુનું સેલેરી પેકેજ
વિદેશી કંપનીઓની ભારતીય સ્કીલમાં વધતો વિશ્વાસ
નવી દિલ્હી,તા.૨ : દેશની ખ્યાતનામ આઈઆઈટી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સિઝન શરૂ થઈ ચુકી છે અને લગભગ ૬ વર્ષ બાદ કેટલાક વિદ્યાર્થીઓને બે કરોડ રૂપિયાનુ સેલેરી પેકેજ ઓફર થયુ છે.
મળતી વિગતો પ્રમાણે આઈઆઈટી બોમ્બે, મદ્રાસ, રૂડકી, ગૌહાટી, કાનપુર અને વારાણસીના કેટલાક વિદ્યાર્થીઓને અમેરિકાની ઉબેર ટેકનોલોજી કંપનીએ ૨.૭૪ લાખ ડોલર એટલે કે ૨ કરોડ રૂપિયા કરતા વધારે રકમનુ પેકેજ ઓફર કર્યુ છે.
આ પેકેજમાં ૯૬ લાખ રૂપિયાનો બેઝિક પગાર, ટારગેટ કેશ બોનસ, ન્યૂ હાયર ગ્રાન્ટ અને સાઈન ઓન બોનસનો સમાવેશ થાય છે.જોકે ૬ વર્ષ પછી વિદ્યાર્થીઓને આટલુ જંગી પેકેજ ઓફર કરાયુ છે. ગયા વર્ષે અમેરિકાની કોહેસિટી કંપનીએ ૨ લાખ ડોલરનુ પેકેજ એટલે કે ૧.૪૮ કરોડ રૂપિયાનુ પેકેજ ઓફર કર્યુ હતુ.
ઉબેર ટેકનોલોજીનુ હેડકવાર્ટર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં છે.કંપનીએ વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પેકેજ પર કોઈ ટિપ્પણી કરી નથી.ટેકનોલોજી સેકટરમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે દુનિયાભરની કંપનીઓમાં સ્પર્ધા હોય છે.આ વખતે ઘરેલુ અને્ વિદેશી કંપનીઓ દ્વારા ૧ કરોડ રૂપિયાથી વધારે પેકેજ ઓફર કરાયુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.
આઈઆઈટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ લેવા માટે આવતી કંપનીઓમાં ઉબેર, જેપી મોર્ગન, ફ્લિપકાર્ટ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, કવાલકોમ, ગોલ્ડમેન શાકસ, આઈટીસી, ઓરેકલ જેવી જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.