મુખ્ય સમાચાર
News of Friday, 3rd February 2023

અમરિંદરસિંહના પત્ની સાંસદ પ્રનીત કૌરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા

અમરિંદરસિંહના રાજીનામા બાદથી પંજાબ કોંગ્રેસ મુશ્કેલીમાં : લોકસભા સાંસદ પ્રનીત કૌરને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી નથી

નવી દિલ્હી, તા.૩ : પંજાબ કોંગ્રેસમાંથી કેપ્ટનના રાજીનામાં બાદ મોટાપાયે આંતરિક ગતિવિધિઓ વધી હતી. પ્રદેશ કોંગ્રેસને આંતરિક નુકશાન પહોંચાડવાનો આક્ષેપ કેપ્ટન અમરિન્દર સિંઘના પત્ની પર લાગ્યો હતો. પંજાબ કોંગ્રેસે એક આદેશમાં કહ્યું કે પાર્ટીએ પટિયાલાથી લોકસભા સાંસદ પ્રનીત કૌરને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે તેમને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી નથી. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ પ્રનીત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાની વાતને સમર્થન આપ્યું છે.

પટિયાલાથી કોંગ્રેસ લોકસભા સાંસદ પ્રનીત કૌરને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસના વડા અમરિન્દર સિંહ રાજા વોર્ડિંગે પ્રનીત કૌરની પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની ફરિયાદ હાઈકમાન્ડને કરી હતી. કૌર પર ભાજપને મદદ કરવાનો આરોપ છે. પાર્ટીએ તેમને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ પણ માંગ્યો છે કે કેમ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ ન કરવામાં આવે ? ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ, તેમના પુત્ર રણિંદર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર અને પૌત્ર નિર્વાણ સિંહ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી પાર્ટીમાં પ્રનીત કૌર નિશાના પર હતી. પૂર્વ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું હતું કે કેપ્ટનની પત્ની પ્રનીત કૌરને કોંગ્રેસમાંથી બહાર કાઢી દેવી જોઈએ.

વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પણ કહ્યું છે કે પ્રનીત કૌર ન તો કોંગ્રેસનો ભાગ છે અને ન તો ક્યારેય બની શકે છે. કેટલાક ટેકનિકલ કારણો અને લોકસભાની સદસ્યતા રદ થવાના ડરને કારણે તે પાર્ટી નથી છોડી રહી પરંતુ લોકોએ એવા ભ્રમમાં ન રહેવું કે પ્રનીત કોંગ્રેસમાં છે. બાજવાએ કહ્યું હતું કે હવે જો પ્રનીત કૌરમાં આત્મસન્માનનો અંશ પણ હોય તો તેમણે પોતે કોંગ્રેસ છોડી દેવી જોઈએ.

(7:29 pm IST)