મુખ્ય સમાચાર
News of Friday, 3rd March 2023

શાહરૂખ ખાનના ઘરે મોડી રાતે ૨ યુવકો દીવાલ ઓળંગી ઘૂસ્‍યા

પોલીસે બંને અજાણ્‍યા લોકોને પકડી લીધા છે અને તેમની પુછપરછ થઇ રહી છે

મુંબઇ,તા. ૩: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે બે અજાણ્‍યા વ્‍યક્‍તિ મોડી રાતે ઘરમાં ઘૂસી ગયા. એવું કહેવાય છે કે બે લોકો રાતે લગભગ ૯.૩૦ વાગે શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્‍યા. બંનેએ દીવાલ કૂદીને શાહરૂખ ખાનના ઘરમાં એન્‍ટ્રી લીધી. પોલીસે બંને અજાણ્‍યા લોકોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. એવું કહેવાય છે કે બંને શાહરૂખ ખાનના ફેન હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે પોલીસે આ બંને વિરુદ્ધ મંજૂરી વગર પ્રાઈવેટ પ્રોપર્ટીમાં પ્રવેશ કરવાનો મામલો નોંધ્‍યો છે. પોલીસ બંનેની પૂછપરછ કરીને એવું જાણવાની કોશિશ કરી રહી છે કે તેઓ શાહરૂખ ખાનના ઘરમાં કેમ ઘૂસ્‍યા? જો કે બંને યુવકો શાહરૂખ ખાનના ફેન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતની દીવાલ ઓળંગીને અંદર ઘૂસવાના આરોપમાં બે યુવકોની અટકાયત કરી. પોલીસના એક અધિકારીએ જણાવ્‍યું કે ૧૯-૨૦ વર્ષના બંને યુવકોને મન્નતમાં ઘૂસતા જ ત્‍યાં હાજર સિક્‍યુરિટી ગાર્ડ્‍સે પકડી લીધા.

પૂછપરછમાં બંને યુવકોએ પોલીસને જણાવ્‍યું કે તેઓ ગુજરાતથી છે. તેઓ શાહરૂખ ખાનને મળવા ઈચ્‍છતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્‍યાં મુજબ મન્નતમાં મંજૂરી વગર એન્‍ટ્રી કરવા સહિત આઈપીસીની અન્‍ય કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળ તપાસ થઈ રહી છે.

વર્ક ફ્રન્‍ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની હાલમાં આવેલી ફિલ્‍મ પઠાણે બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવી છે. દેશ દુનિયામાં પઠાણ ફિલ્‍મ એક હજાર કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. આ એક્‍શન પેક્‍ડ ફિલ્‍મમાં શાહરૂખ ખાનની સાથે એક્‍ટર જહોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે.

(10:37 am IST)