મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

ડોકટરોએ આપી ચેતવણી

કોરોનાથી બચવા મિથિલિન બ્લૂ, એકયુપ્રેશર, નાસ જેવા અખતરા ન કરવા

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને મેડિકલ ટ્રીટમેન્ટ જ એકમાત્ર ઈલાજ : મિથિલિન બ્લૂ, નાકમાં લીંબુના ટીપાં નાખવા, એકયુપ્રેશર વગેરેથી થાય છે આડઅસરો : કોરોના થાય તો ઘરગથ્થુ ઉપચારો કર્યા વિના સમયસર મેડિડલ સારવાર શરૂ કરી દેવી : તબીબો

નવી દિલ્હી,તા. ૩ : કોરોના મહામારીમાં વેન્ટિલેટર, આઈસીયુ બેડથી માંડીને રેમડેસિવિયર, ટોસિલિઝુમેબ જેવા ઈન્જેકશનોની ભારે તંગી વર્તાઈ રહી છે. એક તરફ દર્દીઓ આ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે તો બીજી તરફ લોકો રોગપ્રતિકારક શકિત વધારવા માટે જાતજાતના અખતરા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાતજાતના વિડીયો અને નુસખાઓ વાયરલ થઈ રહ્યા છે અને કોરોના થઈ જશે તેવી દહેશતમાં જીવતા લોકો આ કહેવાતા ઉપચારોનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. આવા અખતરાઓને કારણે લોકોમાં આડઅસર થતી હોવાનું જાણવા મળ્યું છે.

થોડા દિવસ પહેલા ભાવનગરના એક ડોકટરનો વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ વિડીયોમાં તબીબે દાવો કર્યો હતો કે મિથિલિન બ્લૂ નામની દવાથી કોરોના મટી જાય છે. આ વિડીયોમાં ડોકટરે ઘણાં દર્દીઓને મિથિલિન બ્લૂ નામની દવાથી સાજા કર્યા હોવાનો દાવો કર્યો છે.

મિથિલિન બ્લૂ દવા અંગે સિનિયર પલ્મનોલોજીસ્ટ ડો. નરેન્દ્ર રાવલે સ્થાનિક અખબારને જણાવ્યું, 'કોઈપણ દવા જેના પૂરતા કિલનિકલ ટ્રાયલ થયા નથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. મિથિલિન બ્લૂએ એક એન્ટિસેપ્ટિક દવા છે. તેના દ્વારા કોરોના મટી જાય છે તેવા કોઈ પુરાવા નથી. આ પ્રકારની આડીઅવળી દવા લેવાથી જીવનું જોખમ થવાની શકયતા છે. આવી દવાથી દર્દીને એસિડિટી, ઉલટી, ડાયેરિયા, ચાંદા પડવા અને પેટમાં દુખાવા જેવી આડઅસરો થઈ શકે છે.'

આ જ પ્રકારે નાકમાં લીંબુના ટીપાં નાખવાથી કોરોના મટી જાય છે તેવો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સિવાય એકયુપ્રેશર, એકયુપંચર, હોમિયોપથી અને આયુર્વેદિકની જુદી જુદી ઘણી દવાઓ અને તેના ઉપયોગ અંગેના ઢગાલબંધ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેનું કેટલાય લોકોએ આંધળું અનુકરણ કર્યું હોવાનું તબીબી જગતના સૂત્રો જણાવે છે.

અમદાવાદ મેડિકલ અસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ સ્થાનિક અખબારને કહ્યું, 'સોશિયલ મીડિયા પર આવતા ગમે તે વિડીયો અને તેની સારવારનું આંધળું અનુકરણ મૂર્ખામી છે. કોરોનાથી બચવા કેટલાય લોકો આડેધડ નાસ લેતા હોવાનું, ઉકાળા પીવાનું શરૂ કર્યું હોય તેવા કેટલાય કેસ જોવા મળ્યા છે. વધુ પડતો અને આડેધડ નાસ લેવાથી નાકના મ્યુકોઝને કાયમી ઈજા થઈ હોવાના કેસ જોવા મળ્યા છે. વધુ પડતા ગરમ ઉકાળા પીવાથી કેટલાય લોકોના આંતરડામાં ચાંદા પડી જવા અને હરસ-મસા જેવી તકલીફો થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના વાયરલ મેસેજ મુજબની સારવાર પદ્ઘિતિના કારણે દર્દીનો જીવ જોખમાવાની પૂરેપૂરી શકયતા છે.'

કેટલાય લોકો કોરોનાના ડરથી જાતજાતના ઉકાળા અને વધુ પડતો નાસ લેતા હોય છે. અમદાવાસ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ અસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ કહ્યું, 'ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં કેટલાય કેસમાં જોવા મળ્યું છે કે, દર્દી દ્યણાં દિવસથી દ્યરે રહીને ઓપ્શન થેરાપીથી કોરોના મટાડવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં ઘણો સમય બગડે છે અને છેવટે તબિયત વણસી જાય ત્યારે સગાંસબંધીઓ તેને હોસ્પિટલમાં દાખલ કરે છે. આયુર્વેદ અને હોમિયોપેથી ટ્રીટમેન્ટમાં હજી સુધી કોરોનાની કોઈ સાબિત થયેલી દવા નથી મળી. જયારે મોડર્ન મેડિસિનથી કેટલાય લોકો સાજા થયાના દાખલા છે. આથી લોકોએ આડીઅવળી દવાઓ કરીને સમય વેડફ્યા વિના તરત જ મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ.'

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલ કહે છે કે, કોરોનાની સારવાર અંગે 'વોટ્સએપ યુનિવર્સિટી'માં જે મેસેજ વાયરલ થયા છે તે મેડિકલ યુનિવર્સિટીમાં કયાંય માન્ય નથી. મેડિકલ આધાર પુરાવા વિનાની કોઈ બાબત માન્ય ગણાય નહીં.

(9:56 am IST)