મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

સગર્ભાઓને પણ હવે કોરોનાની રસી આપવા મંત્રાલયની મંજૂરી

રચાયેલા ગ્રૃપની ભલામણ પર નિર્ણય લેવાયો : સગર્ભાઓ હવે કોવિન પર નોંધણી કર્યા પછી તથા સીધા કોરોના રસીકરણ કેન્દ્રમાં જઈ રસી લગાવી શકે છે

નવી દિલ્હી, તા. ૨: હવે દેશમાં ગર્ભવતી મહિલાઓને પણ કોરોના વિરોધી રસી લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અંગે રચાયેલા નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૃપની ભલામણ પર આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓની રસીકરણને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સગર્ભા સ્ત્રીઓ હવે કોવિન પર નોંધણી કર્યા પછી અથવા સીધા કોરોના રસીકરણ કેન્દ્રમાં જઈ રસી લગાવી શકે છે.

તાજેતરમાં, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે કહ્યું કે એનટીએજીઆઈની ભલામણ મુજબ, સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણ સલામત છે. દરમિયાન, શુક્રવાર સુધીમાં દેશમાં ૩૪ કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં કોવિડ-૧૯ રસીના ૩૪ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે માહિતી આપી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વર્ષની વય જૂથના કુલ ૯,૪૧,૦૩,૯૮૫ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૨૨,૭૩,૪૭૭ લોકોએ પણ લઇ લીધો છે. મંત્રાલયે જણાવ્યું છે કે શુક્રવારે સવારે ૭ વાગ્યા સુધી પ્રાપ્ત અહેવાલ મુજબ ૩૪,૦૦,૭૬,૨૩૨ ડોઝ આપવામાં આવ્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ લાખથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના ૧૬૭ માં દિવસે (૧ જુલાઈ), ૪૨,૬૪,૧૨૩ ડોઝ આપવામાં આવ્યા, જેમાં ૩૨,૮૦,૯૯૮ લોકોને પ્રથમ ડોઝ મળ્યો હતો અને ૯,૮૩,૧૨૫ લોકોને બીજા ડોઝ મળ્યો છે.

મંત્રાલયે જણાવ્યું કે, ગુરુવારે, ૧૮-૪૪ વર્ષની વય જૂથના ૨૪,૫૧,૫૩૯ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને ૮૯,૦૨૭ લોકોએ બીજો ડોઝ લીધો હતો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.  ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં ૧૮-૪૪ વર્ષની વય જૂથમાં ૫૦ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

(9:24 pm IST)