મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

હમાસના બલુન બોમ્બ પછી ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલી સૈન્યની એર સ્ટ્રાઇક : હમાસની સાઈટ પર બોમ્બવર્ષા

આગ લગાડતા બલૂન્સ મોકલ્યા પછી જવાબી કાર્યવાહીના ભાગરૃપે આ એરસ્ટ્રાઈક

જેરૂસલેમ :ઉગ્રવાદી પેલેસ્ટાઈન સમર્થક સંગઠન હમાસે આગ લગાડતા બલૂનો ઈઝરાયેલમાં મોકલ્યા હતા. એ પછી જવાબી કાર્યવાહીના ભાગરૃપે ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી હતી.
ઈઝરાયેલના સૈન્યએ ગાઝા પટ્ટીમાં હમાસની સાઈટ ઉપર હવાઈ હુમલાં કર્યા હતા. અહેવાલો પ્રમાણે ઈઝરાયેલે આખી રાત હમાસની સાઈટ પર બોમ્બવર્ષા કરી હતી. ઈઝરાયેલની સૈનાએ કહ્યું હતું કે આગ લગાડતા બલૂન્સ મોકલ્યા પછી જવાબી કાર્યવાહીના ભાગરૃપે આ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
ઈઝરાયેલના હુમલાંથી ગાઝાપટ્ટીમાં કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો આવ્યા ન હતા. ઈઝરાયેલની સૈનાએ દાવો કર્યો હતો કે હમાસ જે સ્થળેથી શસ્ત્રોના અને હુમલાના આયોજનો કરે છે તેને જ નિશાન બનાવાયું હતું. હમાસે પણ તે હુમલા બાબતે કોઈ જ ટીપ્પણી કરી ન હતી.
પેલેસ્ટાઈને બલૂન છોડવા બાબતે એવો બચાવ કર્યો હતો કે કાંઠા વિસ્તારમાં જે પ્રતિબંધો મૂકાયા છે તે હટી જાય તેના માટે ઈઝરાયેલ પર દબાણ લાવવા માટે આગઝરતા બલૂન મોકલાયા હતા. હમાસે ઈઝરાયેલની સરહદે આગ ઓકતા બલૂન બોમ્બ છોડયા હતા.
એ બલૂનના કારણે ઈઝરાયેલમાં અમુક સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરતા ફરીથી સ્થિતિ તંગ બની હતી.
બંને વચ્ચે સર્જાયેલી તંગદિલીના કારણે ૨૫૦ પેલેસ્ટાઈન નાગરિકો અને ૧૩ ઈઝરાયેલના નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. બંને વચ્ચે સુલેહ કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા છે.

(12:00 am IST)