મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ખાલિસ્તાની આતંકવાદીઓ ખંડણી ઉઘરાવતા અને ધમકી આપતા હોવાના મામલે NIA ના પંજાબ અને ઉત્તર પ્રદેશમાં નવ ઠેકાણે દરોડા

નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા બળજબરીથી નાણા ઉઘરાવતા હોવા અંગે અને ધમકી આપતા હોવા અંગે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પંજાબ અને ઉત્તરપ્રદેશમાં નવ ઠેકાણે દરોડા પાડયા હતા.

એનઆઇએના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પંજાબના બરનાલા, મોગા, ફિરોઝપુર અને ઉત્તરપ્રદેશના મેરઠ તેમજ મુઝફ્ફરનગર જિલ્લામાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંબંધમાં મેમાં મોગા જિલ્લામાં ભારતીય દંડસંહિતા, એનડીપીએસ અધિનિયમ, સશસ્ત્ર કાયદો અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ (પ્રતિરોધક) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે પંજાબ પોલીસને મળેલી જાણકારીના આધારે કેસ નોંધાયો હતો. આ મુજબ મોગાના અર્શદીપસિંહ, બરનાલાના ચરણજીત સિંહ અને ફિરોઝપુરના રમણદીપ સિંહ બધા વિદેશમાં છે. તેઓ ગેંગ બનાવીને લોકોને ધમકી આપવાના અને ખંડણી ઉઘરાવવાના આરોપમાં સામેલ હતા.

એનઆઇએએ તપાસ હાથમાં લેવાની સાથે ફરીથી કેસ નોંધ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી શસ્ત્રો અને દારુગોલો જપ્ત કરવામાં આવ્યો છે.

એનઆઇએના અધિકારીના જણાવ્યા મુજબ ભાગેડુ અર્શદીપ-હરદીપસિંહના નજીકના સહયોગી જેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યા છે તે ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ)નો વડો છે. તેણે હવે પંજાબ અને ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને શૂટરને સામેલ કરીને આતંકવાદી ટુકડી બનાવી છે.

તેમણે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીએ પંજાબમાં ત્રણ વેપારીઓની હત્યા કરી છે અને તેણે આ સિવાય એક અન્ય શિકારની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન કારતૂસના ખાલી ખોખા, પોલીથીનના એક બેગમાં 122 ગ્રામ માદક પદાર્થ, સીડી, મોબાઇલ, ફોન, સીમ કાર્ડ, સહિત ડિજિટલ સાધનો અને અપરાધમાં સામેલ હોવાનો સંકેત કરતા ઘણા દસ્તાવેજ મળ્યા. તેમણે જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલુ છે.

(12:00 am IST)