મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

મધ્યપ્રદેશમાં રસ્તાની ચોરીની પોલીસ ફરિયાદ

એક રસ્તો સાંજે બન્યો હતો અને સવારે ચોરી થઇ ગયો છે

સીધી,તા. ૩ : મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક અજબ-ગજબ ઘટના સામે આવી છે. જ્યાં ઉપ સરપંચે જિલ્લાના મુખ્ય કાર્યાપાલન અધિકારીને એક એવો પત્ર લખ્યો છે.

જેમાં લખ્યુ છે કે મારા વોર્ડ નંબર ૧૫માં એક રસ્તો સાંજે બન્યો હતો અને સવારે ચોરી થઇ ગયો છે મુખ્ય કાર્યપાલન અધિકારી આશ્ચર્યચકિત છે. તેમણે આ કેસની તપાસ કરવાની વાત કહી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. કેસ સીધી જિલ્લાના મજૌલી વિકાસખંડના મેંઢરા ગ્રામ પંચાયતનો છે.

જ્યાં ગ્રામ પંચાયત દ્વારા પંચાયત નિધિમાંથી કાગળો પર જ ૧ કિલોમીટર લાંબો રસ્તો ૧૦ લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ સ્થળ પર રસ્તો જ નથી. ગામવાળાઓને જ્યારે આ વાતની માહિતી મળી તો તેમણે ઉપ સરપંચ રમેશ કુમાર યાદવની સાથે મજૌલીના મુખ્ય કાર્યપાલન અધિકારીને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. જેમાં તેમણે ફરિયાદ કરી છે કે ગ્રામ પંચાયતમાં સાંજ સુધીમાં એક રસ્તો બન્યો હતો.

પરંતુ સવારે ચોરી થઇ ગયો છે. મજૌલી જનપદ પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારી એમ.એલ. પ્રજાપતિનું કહેવુ છે કે  ૭ જૂનના રોજ મારી પદસ્થાપના મજૌલી જનપદ પંચાયતમાં થઇ છે. આવેદનપત્ર ગ્રામીણો દ્વારા કરાયું છે.

તેની તપાસ કરાવીને દોષિતોની વિરૂધ્ધ કાર્યવાહી કરાશે. આ કેસ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો કેસ છે. પરંતુ ઉપસરપંચના કટાક્ષ ભરેલ અરજીની ચર્ચા આખા જિલ્લામાં છે.

(9:59 am IST)