મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

રાજસ્થાનના અલવર જિલ્લામાં બની ભયાનક ઘટના

દહેજ ભૂખ્યા પતિએ પત્ની પર કરાવ્યો ગેંગરેપ : ગુપ્તાંગમાં મરચું ભરી દીધું

યુવતીના માતાપિતાને જાણ થતાં તેમણે સાસરે પહોંચીને છોકરીને બચાવી ફરિયાદ કરી

અલવર,તા.૩: એક ચોંકાવનારી ઘટનામાં દહેજ ભૂખ્યા પતિએ પોતાની ડિમાન્ડ પૂરી ના થતાં પત્ની પર કથિત રેપ કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના રાજસ્થાનમાં બની છે, જે અંગે બસેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિની વિચિત્ર હરકતનો ભોગ બનનારી મહિલાનો આક્ષેપ છે કે શનિવારે તેના પતિએ તેને ફટકારી હતી, અને એક અજાણ્યા વ્યકિતને ઘરે લઈ આવ્યો હતો જેણે તેના પર રેપ કર્યો હતો.

શનિવારની ઘટના બાદ રવિવારે પણ પીડિતાનો પતિ બીજા કોઈ પુરુષને ઘરે લઈને આવ્યો હતો, જેણે પણ તેના પર રેપ કર્યો હતો. મહિલાએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે બળાત્કાર બાદ અજાણ્યા શખ્સ અને તેના પતિએ તેને માર માર્યો હતો તેમજ ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. આ ઘટના બાદ મહિલાના માતાપિતા તેના સાસરે પહોંચ્યા હતા અને તેને બચાવીને ઘરે લાવી હતી.

પોલીસે આ મામલે ગેંગરેપની ફરિયાદ દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ ફરિયાદ થયા બાદ મહિલાના પતિ તેમજ સાસરિયા ઘરને તાળું મારીને ભાગી ગયા હતા. પોતાની ફરિયાદમાં મહિલાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે લગ્ન બાદ તેને દહેજ માટે અવારનવાર ટોર્ચર કરવામાં આવતી હતી. સાસરિયા પણ સતત મ્હેણા-ટોણાં મારીને તેને ત્રાસ આપતા હતા. જોકે, પીડિતાના માતાપિતા દહેજની માગ સંતોષી શકે તેમ ના હોવાથી તેના પતિએ તેના પર બળાત્કાર કરાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની જાણ થતાં જ પીડિતાના માતાપિતા તુરંત જ ધોલપુર સ્થિત તેના ઘરે પહોંચ્યા હતા. જયાં તેમણે જોયું હતું કે યુવતી ગેંગરેપ અને ટોર્ચરની પીડાથી કણસી રહી હતી. યુવતીએ માતાપિતાને પોતાના પર કેવો ત્રાસ ગુજારાયો છે તે અંગે વાત કરતાં તેઓ પણ સમસમી ઉઠ્યા હતા. ત્યારબાદ જરાય મોડું કર્યા વિના પીડિતા સાથે તેના માતાપિતા પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.

આ કેસની તપાસ હાલ ડીવાયએસપી રેંકના અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ આરોપીઓને પકડવા માટે તમામ દિશામાં તપાસ  કરવામાં આવી રહી છે.

(10:02 am IST)