મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ગામડાની જેમ રોજગારની ગેરેંટી ઇચ્છે છે શહેરી લોકો

મોટા ભાગના લોકો બેરોજગારી ભથ્થું નથી ઇચ્છતા

નવી દિલ્હી તા. ૩ : કોરોના કાળમાં નોકરી ગુમાવનાર મોટાભાગની શહેરી વસ્તીને બેરોજગારી ભથ્થું નહીં પણ ગ્રામીણ લોકોની જેમ રોજગારની ગેરંટી જોઇએ છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીકસનો સર્વે આવું જ કંઇક કહે છે. આ સર્વેમાં યુપી, બિહાર અને ઝારખંડના ૪૭૬૩ લોકો સામેલ હતા.

સર્વેમાં ૮૨ ટકા લોકોએ કહ્યું કે સરકારે ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારની ગેરેંટી આપવી જોઇએ તો ૧૬ ટકાએ બેરોજગારોને રોકડમાં ભથ્થું આપવાની માંગણી કરી હતી. મહામારીને ધ્યાનમાં રાખીને આર્થિક મદદ મેળવનારા લોકોએ પણ રોજગારની ગેરેંટીને જરૂરી ગણાવી. સ્વાતિ ઢીંગરા અને ફજોલા કોંડીરેલીના નેતૃત્વમાં કરાયેલ આ સર્વેમાં જાણવા મળ્યું કે પહેલા લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા ૪૦ ટકા લોકો પાસે ૧૦ મહિના પછી આવકનું કોઇ સાધન નથી. કોરોના કાળમાં નોકરી ગુમાવનારા મોટાભાગના શહેરી કર્મચારીઓ છેલ્લા ૬ મહિનાથી બેરોજગાર છે. જેમની પાસે ઓછામાં ઓછા એક વર્ષનું કામ હોય તેવા કર્મચારીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં લગભગ અડધી થઇ ગઇ છે. દરેક કર્મચારી પાસે દર અઠવાડીયે સરેરાશ છ કલાકનું કામ ઘટી ગયું છે.

કેન્દ્ર સરકાર હાલમાં બધા ગ્રામ્ય પરિવારોને દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસના રોજગારની ગેરેંટી આપે છે. હાલના મહિનાઓમાં આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવનારાઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે.

(11:36 am IST)