મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ચીનમાં જમીન નહીં આપતાં મહિલાનું ઘર ટ્રાફિકથી ઘેરાયું

હાઈવે-પુલો બનાવવા લોકોની જમીન હસ્તગત કરાય છે : ૧૦ વર્ષ સુધી ચીની સરકારની વિરુદ્ધ મહિલા ઉભી રહી, હવે મહિલાનું આ મકાન નેઈલ હાઉસ તરીકે જાણીતું છે

ગુઆંગઝોઉ, તા. ૩ : હાઇવે અને પુલો બનાવવામાં આવે છે ત્યારે લોકોની જમીન તેમાં જાય છે, જેના માટે સરકાર વળતર પણ આપે છે. પરંતુ ચીનના ગુઆંગઝોઉ શહેરની આ ઘટના દર્શાવી રહી છે કે જો આવા બાંધકામ માટે જમીનની ના પાડી દેવામાં આવે તો શું થાય? હકીકતમાં, ચીનમાં એક હાઇવે બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ એક નાનું ઘર તેના માર્ગમાં અવરોધ બની ગયું હતું. સરકાર તે જમીન ખરીદવા માગતી હતી, પરંતુ ઘરની માલિક મહિલાએ તેને વેચવાનો ઇનકાર કરી દીધો અને લાંબા સમય સુધી તેના નિર્ણયને વળગી રહી. આ પછી હાઇવે બનાવવામાં આવ્યો હતો અને મહિલાનું ઘર ટ્રાફિકથી ઘેરાઈ ગયું.

અહેવાલો અનુસાર, મહિલાનું નામ લિયાંગ છે. તે ૧૦ વર્ષ સુધી ચીની સરકારની વિરુદ્ધ ઉભી રહી. સરકાર તેનું મકાન ખરીદવા અને તોડવા માંગતી હતી જેથી હાઇવે બનાવી શકાય. પરંતુ જ્યારે મહિલા કોઈપણ હિસાબે સહમત ન થઈ, ત્યારે ડેવલોપર્સે તેના નાના મકાનની આજુબાજુ એક નાનકડો મોટર વે બ્રિજ બનાવ્યો. હવે આ ઘર નેઈલ હાઉસ તરીકે જાણીતું છે કારણ કે મહિલાએ તેના તોડવા માટે સરકાર પાસેથી વળતર લેવાની ના પાડી દીધી હતી.

હાઈઝુયોંગ બ્રિજ નામનો આ હાઇવે વર્ષ ૨૦૨૦ માં ટ્રાફિક માટે શરું કરાયો હતો. હવે આ નાના મકાનમાં રહેતા લીઆંગ ફક્ત તેની બારીમાંથી હજારો વાહનો પસાર થતા જોઈ શકશે. ગુઆંગડોંગ ટીવી સ્ટેશન અનુસાર આ એક માળનું મકાન ૪૦ ચોરસ મીટર (૪૩૦ ચોરસ ફૂટ)માં ફેલાયેલો ફ્લેટ છે, જે ફોર લેન ટ્રાફિક લિંકની મધ્યમાં એક ખાડામાં સ્થિત છે, જેના કારણે મકાનની કિંમતમાં પણ ઘટાડો થયો છે!

'મેઇલ ઓનલાઇન' ના અહેવાલ અનુસાર, મહિલાએ પોતાની જગ્યા છોડવાની એટલા

માટે ના પાડી દીધી કારણ કે સરકાર તેને કોઈ સારી જગ્યાએ બીજી જમીન આપી શકતી ન હતી. તેમણે કહ્યું, 'લોકો મારા વિશે શું વિચારશે તે વિચારવા કરતાં હું પરિસ્થિતિનો સામનો કરવામાં વધુ ખુશ છું. તેમણે જણાવ્યું કે 'તમે સમજો છો કે આ વાતાવરણ ખરાબ છે, પરંતુ મને લાગે છે કે તે શાંત, મુક્ત, સુખદ અને આરામદાયક છે, અને કદાચ પુલ બનાવતા પહેલા તે પણ તેવું જ હતું.

સરકારી અધિકારીઓએ કહ્યું કે તેઓએ ૨૦૧૦ માં હાઈઝુયોંગ બ્રિજ બનાવવા માટે આ પ્લોટ હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે ફ્લેટના પુલના નિર્માણમાં એક દાયકાનો સમય લાગ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘરના માલિક લીઆંગને ઘણા ફ્લેટ તેમજ વળતર તરીકે રોકડની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર નકારી દીધી હતી.

(7:39 pm IST)