મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

પેકેજિંગ પર કોરોના મળતાં ૪ કંપનીઓ ઉપર ચીનનો પ્રતિબંધ

ચીન દ્વારા કોરોના સંદર્ભે વધુ આક્રમક વલણ : ચીન દ્વારા કોરોના સંદર્ભે વધુ આક્રમક વલણ

બેઈજિંગ, તા. ૩ : ચીને વધુ ચાર ભારતીય સીફૂડ કંપનીઓની આયાત પર કોરોનાનુ કારણ આગળ ધરીને પ્રતિબંધ મુકી દીધો છે.

ચીનના સરકારી અખબારના કહેવા પ્રમાણે ચીનના કસ્ટમ વિભાગે લીધેલો નિર્ણય આજે શનિવારથી લાગુ પડ્યો.આ ચાર કંપનીઓ પાસેથી આગામી એક સપ્તાહ સુધી સી ફૂડ મંગાવવામાં નહીં આવે કારણકે આ કંપનીઓના પેકેજિંગ પર કોરોનાના વાયરસ જોવા મળ્યા છે અને તેના આધારે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ મહિના અગાઉ પણ ચીને આ જ પ્રકારનુ પગલુ ભર્યુ હતુ અને છ ભારતીય સી ફૂડ કંપનીઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો હતો.આ પ્રતિબંધ પણ જોકે એક સપ્તાહ માટે જ મુકવામાં આવ્યો હતો.તે સમયે પણ ચીને દાવો કર્યો હતો કે, આ કંપનીઓના પેકિંગ પર કોરોના વાયરસ મળી આવ્યો હતો.

ચીન છેલ્લા એક વર્ષથી દુનિયાભરમાંથી જે પણ સામાન આયાત કરવામાં આવે છે તેની અને ખાસ કરીને ફ્રોઝન પ્રોડક્ટસની તપાસ કરે છે કે તેના પર કોરોના વાયરસ છે કે નહીં.પેકિજિંગ પર જો કોરોના વાયરસ મળે તો તે પ્રોડક્ટસની આયાત પર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે.

ચીન દુનિયાનો એક માત્ર એવો દેશ છે જેણે કોરોના વાયરસને સૌથી પહેલા કાબૂમાં લીધો હોવાનો દાવો કર્યો છે.ચીનના વુહાન શહેરમાંથી ગયા વર્ષે કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો હતો.ચીનમાં તો હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ આખી દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે.

(9:05 pm IST)