મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

લદાખ સરહદે ચીને ૫૦ હજાર જવાન તૈનાત કરતા ભારત સચેત

લદાખ સરહદ વિવાદની વચ્ચે ચીનનું વધુ એક દુષ્કૃત્ય : ભારતે ચીનની નાપાક ચાલની સામે ટક્કર માટે ટી-૯૦ ભીષ્મ, પિનાક રોકેટ, રફાલ સહિતના શસ્ત્રો તૈનાત કર્યા

બેઈજિંગ  : લદ્દાખમાં સીમાને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવવાના બેઠકોના દોર વચ્ચે ચીને બોર્ડર પર સૈનિકોનો જમાવડો વધારી દીધો છે. આ જ કારણે ભારતને પણ મિરર ડિપ્યોલમેન્ટ પોલીસી હેઠળ ૫૦ હજાર જવાનો તૈનાત કરવા પડ્યાં હતા. ભારત-ચીન સીમા પર સૈનિકોની આ તૈનાતીને દશકનું સૌથી મોટુ સૈન્ય તણાવ બતાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જૂનમાં ગલવાન હિંસા બાદ બંને દેશોની સેનાઓ પૂર્ણ તૈયારીઓ સાથે સીમા પર તૈનાત છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ચીને ગલવાન હિંસા દરમિયાન તૈનાત સૈનિકોની સંખ્યા કરતા ૧૫ હજાર વધુ જવાનો આ વખતે તૈનાત કર્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય અધિકારીઓની જણાવ્યા મુજબ, ચીનની પીપુલ્સ લિબરેસન આર્મીએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ધીરે ધીરે સેનાની હાજરીને વધારીને ૫૦ હજારથી પણ વધુ કરી દીધી છે.

બને દેશો વચ્ચેના તણાવ દરમિયાન સીમા વિસ્તારમાં ખૂબ વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં શિયાળા દરમિયાન સૈનિકોને રહેવા માટે ઈન્સ્યૂલેટેડ કેબિન અને ટેન્ટ પણ સામેલ છે. ભારત અને ચીન વચ્ચે મોટાભાગે સૈન્ય નિર્માણ પૂર્વ લદ્દાખમાં કરવામાં આવ્યું છે. અહીં ગોગરા-હોટસ્પ્રિંગ, ડેપસાંગ અને ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ હજુ પણ આમને સામને તૈનાત છે.

આ જ કારણ છે કે ચીનની શંકાસ્પદ હરકતોને જોઈને ભારતે સીમા પર નવા નવા હથિયારો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેના લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તરોમાં ચીન સામે લડવા માટે કે-૯ વજ્ર હોવિત્જરને તૈનાત કર્યું છે. આ સિવાય ટી-૯૦ ભીષ્મ, પિનાકા રોકેટ, રફાલ, અપાચે, ચિનૂક જેવા ઘાતક હથિયારો પણ બોર્ડર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ઈઝરાયલ પાસેથી ખરીદેલા ચરા હેરોન ટીપી ડ્રોનને પણ એલએસી પાસે દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યાં છે.

ભારતે ચીન વિરૂદ્ધ ઓફેન્સિવ ડિફેન્સ રણનીતિને અપનાવી છે. આ જ કારણ છે કે લદ્દાખમાં ભારતીય સેનાએ પણ જવાનો અને હથિયારોને મોટી સંખ્યામાં તૈનાત કર્યા છે. ભારતે પહેલાં સીમા પર ચીની અતિક્રમણ રોકવા માટે સૈનિક તૈનાત કર્યાં હતાં, પરંતુ હવે દળ અને બળમાં વધારો કરીને જવાબી હુમલો કરવા અને ચીનની સીમામાં પ્રવેશ કરવાની ક્ષમતા પણ હાંસલ કરી લીધી છે.

(9:05 pm IST)