મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

મમતા બેનર્જી માટે ખતરો બનશે સૈવૈધાનિક સંકટ : તીરથ સિંહ રાવતના રાજીનામાં બાદ અટકળ શરૂ

મમતા દીદીને 6 મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય બનવું જરૂરી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનેલા તીરથ સિંહ રાવતે પોતાનું રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી પદના શપથ લેતી વખતે તીરથ સિંહ રાવત વિધાનસભાના સભ્યના નહોતા. 6 મહિનાની અંદર તેમનું ધારાસભ્ય બનવું જરૂરી હતી. કોરોના વાયરસના કારણે રાજ્યમાં પેટાચૂંટણી ન થઈ શકી. આ સંવેધનિક સંકટને તીરથ સિંહે પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું છે. તીરથ સિંહનું આ સંકટ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પણ માથાનો દુઃખાવો બની શકે છે. તીરથ સિંહની જેમ જ મમતા બેનર્જી પણ રાજ્યની વિધાનસભાના સભ્ય નથી. કોરોનાના કારણે બંગાળમાં જો આગામી કેટલાક મહિના પેટાચૂંટણી ન થઇ તો મામતા સામે તીરથ સિંહ જેવુ સંકટ ઊભું થઈ શકે છે.

વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય પસંદ કરેલા માત્ર 6 મહિના સુધી જ કોઈ મુખ્યમંત્રી કે મંત્રી પદ પર રહી શકે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 164(4) કહે છે કે મુખ્યમંત્રી કે મંત્રી જો 6 મહિના સુધી રાજ્યના વિધાનમંડળના સભ્ય નથી તો એ મંત્રી પદ એ અવધિ સાથે જ સમાપ્ત થઈ જશે. તીરથ સિંહ 10 માર્ચ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ રાજ્યના વિધાનસભાના સભ્ય નથી. તેમણે બરોબર 6 મહિના એટલે કે 10 સપ્ટેમ્બર 2021 પહેલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવવાનું હતું. રાજ્યમાં બે વિધાનસભા સીટો ખાલી છે, પરંતુ કોરોના સંકટના કારણે એ સીટો પર ચૂંટણી કરાવવાની સંભાવના દેખાઈ રહી નથી. આમ પણ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ હવે માત્ર 8 મહિનાનો બચ્યો છે.

ગત દિવસોમાં કોરોના સંકટ વચ્ચે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી કરાવવાને લઈને ચૂંટણી આયોગની ખૂબ નિંદા થઈ હતી. મદ્રાસ હાઇ કોર્ટે તો ચૂંટણી આયોગને જ બીજી લહેર માટે જવાબદાર ગણાવીને અધિકારીઓ પર હત્યાનો ચાર્જ લગાવવા સુધીની વાત કહી હતી. એવામાં જ્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરનું જોખમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો ચૂંટણી આયોગ પેટાચૂંટણી કરાવવા પર જોખમ ઉઠાવે તેમ લાગતું નથી. દેશમાં લગભગ બે ડઝન વિધાનસભાની સીટો અને કેટલીક સંસદીય સીટો પર ચૂંટણી મહામારીના કારણે લંબિત થઈ છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ મમતા બેનર્જીએ 4 મે 2021ના રોજ ત્રીજી વખતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પોતે નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી હારવાના કારણે મમતા બેનર્જી રાજ્ય વિધાનમંડળના સભ્ય નથી. એવામાં તેમને અનુચ્છેદ 164 (4) હેઠળ 6 મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર 2021 સુધીમાં વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે અને તે સંવેધનિક બાધ્યાતા છે. જોકે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ છે, પરંતુ મમતા બેનર્જી વિધાનસભાના સભ્ય બની શકશે નહીં, જ્યાં સુધી નક્કી અવધિની અંદર ચૂંટણી ન થાય

હાલના સમયમાં કોરોના સંકટના કારણે ચૂંટણી આયોગ જો પેટાચૂંટણી ન કરાવી શક્યું તો 4 નવેમ્બરના રોજ તીરથ સિંહ રાવતની જેમ મમતા બેનર્જીને પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે. તીરથ સિંહ રાવતની જેમ ગયા વર્ષે મધ્ય પ્રદેશના બે કેબિનેટ મંત્રીઓ તુલસીરામ સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતને છ મહિનામાં રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે ન ચૂંટાતા મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ નવેમ્બરમાં પેટાચૂંટણી જીતીને આવ્યા બાદ તેમણે ફરીથી મંત્રી પદ સંભાળ્યું હતું.

5 દશક સુધી ચૂંટણી આયોગના કાયદાકીય સલાહકાર તરીકે કામ કરનારા એસ.કે. મેંદીરત્તાએ એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું હતું કે આયોગની અધિસૂચના બાદ ચૂંટણી કરાવવા માટે માટે માત્ર 28 દિવસની જરૂરિયાત હોય છે. એ હિસાબે જો બંગાળમાં પેટા ચૂંટણી કરાવવી હોય તો આયોગે ઓક્ટોબરની શરૂઆતમાં જ તેની અધિસૂચના જાહેર કરવી પડશે. અત્યારે તે માટે ત્રણ મહિનાનો સમય છે.

જો કોરોના ખતમ થયો તો મમતાનો માર્ગ સરળ થઈ જશે નહીં તો તીરથ સિંહની જેમ રાજીનમા માટે મજબૂર થવું પડશે. આમ પણ દેશમાં લગભગ બે ડઝનથી વધારે વિધાનસભા અને સંસદીય સીટો પર પેટાચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં વહેલી પેટાચૂંટણી મમતા બેનર્જીની તો મજબૂરી હોય શકે છે, પરંતુ ચૂંટણી આયોગ કોઈ પણ નિર્ણય કોવિડના જોખમને ધ્યાનમાં લઈને લેશે.

(11:51 pm IST)