મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતની જેલમાં તાલિબાનીનો હુમલો : સુરક્ષાદળોએ 38 આતંકવાદીઓને ઠાર માર્યા

એક સાથે ૪૦ તાલિબાની આતંકવાદીઓ ત્રાટક્યા :સુરક્ષાદળોએ હુમલાને નિષ્ફળ બનાવ્યો

કાબુલ :તાલિબાની આતંકવાદીઓએ દક્ષિણ-પશ્વિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જેલમાં હુમલો કર્યો હતો. હુમલાના નિષ્ફળ બનાવીને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ૩૮ આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જેલમાં બંધ તાલિબાની કેદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો.

 

   અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ-પશ્વિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જિલ્લા જેલમાં તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક સાથે ૪૦ તાલિબાની આતંકવાદીઓ ત્રાટક્યા હતા, પરંતુ સુરક્ષાદળોએ એ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ૩૮ આતંકવાદીઓ સુરક્ષાદળો સાથેની લડાઈમાં માર્યા ગયા હતા અને બે આતંકવાદીઓ ઘાયલ થયા હતા.
હેલમંદની આસપાસના વિસ્તારોમાં તાલિબાને કબજો કરી લીધો છે. હવે હેલમંદની સરકારી બિલ્ડિંગો ઉપર કબજો કરવા માટે તાલિબાને હુમલા શરૃ કર્યા છે. જેલમાં બંધ તાલિબાની આતંકવાદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો. તાલિબાને ગવર્નર ઓફિસ, પોલીસ કચેરી અને તે સિવાયના સરકારી બિલ્ડિંગોને કબજે કરવાની મથામણ આદરી છે.
દરમિયાન પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરતું હોવાનો પર્દાફાશ હવે થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરહદેથી અફઘાનિસ્તાનમાં ઘૂસવાની ફિરાક કરી રહેલા તાલિબાની આતંકવાદીઓનો એક ફોટો શેર કરીને કેનેડાના નેતા અને પૂર્વ મંત્રી ક્રિસ એલેક્ઝાન્ડરે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે તાલિબાનને પાકિસ્તાન તાલીમ આપી રહ્યું છે. આ નેતાએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન જ અફઘાનિસ્તાન વોરને ઉત્તેજન આપી રહ્યું છે અને આડકતરી રીતે અફઘાન વોરમાં સક્રિય છે.

(12:00 am IST)