મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

ટોકિયો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પી.વી.સિંધુ સ્વદેશ પરત : દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો: સિંધુએ કહ્યું કે, " હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. લોકોએ મને ઘણો સાથ આપ્યો અને મને પ્રોત્સાહન આપ્યું

નવી દિલ્હી : ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ  ભારત પરત આવી હતી. સિંધુનુ દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ દરમિયાન, મીડિયા સાથે વાતચીત કરતી વખતે, સિંધુએ કહ્યું કે, " હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. લોકોએ મને ઘણો સાથ આપ્યો અને મને પ્રોત્સાહન આપ્યું." આ દરમિયાન સિંધુએ બેડમિન્ટન એસોસિએશન સહિત દરેકનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, " તે ખૂબ જ ખુશીની ક્ષણ છે."

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે રવિવારે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ચીની ખેલાડી હી બિંગજિઆઓને 21-13, 21-15 થી હરાવી હતી. ઓલિમ્પિકમાં સિંધુનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર બીજી ભારતીય ખેલાડી અને પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ પહેલા કુસ્તીબાજ સુશીલ કુમારે બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો.

(8:47 pm IST)