મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ભારત વિરોધી ઝેર ઓકતાં પાક.ના એકાઉન્ટ બંધ કર્યાં

પાકિસ્તાન સામે ફેસબુકે કડક પગલાં લીધાઃ પાક. દ્વારા હેન્ડલ થતાં ૪૫૩ ફેસબુક એકાઉન્ટ, ૧૦૩ ફેસબુક પેજ, ૭૮ ગ્રુપ્સ, ૧૦૭ ઇન્સ્ટા. એકાઉન્ટ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. ૨ : ફેસબુકે પાકિસ્તાન દ્વારા હેન્ડલ થતાં ૪૫૩ ફેસબુક એકાઉન્ટ, ૧૦૩ ફેસબુક પેજ, ૭૮ ગ્રુપ્સ અને ૧૦૭ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ પેજમાં ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ અને પ્રસાર-પ્રચાર કરાઈ રહ્યા હતા.

આ પહેલાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ મુદ્દે એક પત્ર લખ્યો હતો. તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા કે આ એકાઉન્ટ દ્વારા ફેસબુક ઇન્ડિયામાં કેટલાક મોટા મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓને ગાળો ભાંડવામાં આવે છે. આ સિવાય પાકિસ્તાનથી સંચાલિત થતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી ભારત વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.

રવિશંકરે પત્રમાં એ મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા ફેસબુક ઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોના પેજ ડિલીટ કરી દીધા હતા અથવા તેમને મર્યાદિત કરી દીધા હતા, જ્યારે ફેસબુકે સંતુલન જાળવી નિષ્પક્ષ રહેવું જોઇએ.

(12:00 am IST)