મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ભારતના સૌથી મોટા ૧.૦૭ લાખ કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ

ઇડીએ સપાટો બોલાવ્યો : ૬ દેશોમાં વોન્ટેડ અને હવાલા કીંગ નરેશકુમાર જૈનની ધરપકડ કરી : ૯ દિવસની રિમાન્ડ ઉપર : ૫૫૪ બોગસ કંપનીઓ, ઓછામાં ઓછા ૯૪૦ શંકાસ્પદ બેંક ખાતાઓ થકી હવાલાનો વેપાર કરતો હતો : ઇડીએ તેની સામે મની લોન્ડરીંગ હેઠળ ગુન્હો નોંધ્યો : આંતરરાષ્ટ્રીય હવાલા લેવડ-દેવડમાં શામેલ હતો

નવી દિલ્હી તા. ૩ : ભારતમાં અત્યાર સુધીમાં સૌથી મોટા હવાલા કૌભાંડનો ખુલાસો કરતા ઇડીએ અમેરિકા, બ્રીટન, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ અને યુએઇ સહિત ઓછામાં ઓછા છ દેશમાં વોન્ટેડ અન્ડર વર્લ્ડ હવાલા વેપારી નરેશ જૈનની ધરપકડ કરી છે. ઇડીએ હવાલાના કીંગ ગણાતા નરેશ જૈનને મની લોન્ડરીંગના એક કેસમાં પકડી લીધો છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ઉદ્યોગકારો, ડ્રગ માફીયા અને અન્ય ગુન્હાહિત નેટવર્ક માટે ૫૫૦થી વધુ બોગસ કંપનીઓનો ઉપયોગ કરી ૧ લાખ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલો છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, ૬૨ વર્ષીય નરેશ જૈનને મની લોન્ડરીંગ એકટની કલમ હેઠળ દબોચવામાં આવ્યો છે અને તેને ૯ દિવસની ઇડીની રીમાન્ડ પર લેવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે, જૈનને મનીલોન્ડરીંગ અને આંતરરાષ્ટ્રીય હવાલા લેવડ-દેવડમાં તેની ભૂમિકા માટે ચાલી રહેલી પીએમએલએ તપાસમાં પકડવામાં આવ્યો છે.

જે હેઠળ ૫૫૦ બોગસ કંપનીઓ, ઓછામાં ઓછા ૯૪૦ શંકાસ્પદ બેંક ખાતા અને ૧.૦૭ લાખ કરોડથી વધુના મની ટ્રાન્સફરના સંદર્ભમાં તે વોન્ટેડ હતો. આ દેશનું સૌથી મોટું હવાલા કૌભાંડ છે. ઇડીના તપાસના ઘેરાવામાં કેટલાક મોટા કોર્પોરેટ અને એક મોટી વિદેશી વિનીમય કંપની છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે, ઇડીએ તાજેતરમાં પીએમએલએ હેઠળ કેસ નોંધાયા બાદ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં જૈન અને તેના સાથીઓને ત્યાં દરોડા પાડયા હતા. જે દરમિયાન શંકાસ્પદ વિગતો મળી હતી. દસ્તાવેજો, પેન ડ્રાઇવ, હાર્ડ ડ્રાઇવ વગેરે જપ્ત થઇ હતી.

ઇડી ૩૩૭ વિદેશી બેંક ખાતાની તપાસ કરી રહી છે જે દુબઇ, હોંગકોંગ અને સિંગાપુર જેવા દેશોમાં છે. ઇડીની તપાસમાં ખુલ્યું છે કે, ભારતમાં લીધેલી રોકડ બનાવટી ટુર અને ટ્રાવેલ કંપનીઓ અને ટેલીગ્રાફીક ટ્રાન્સફર થકી વિદેશી બેંક ખાતાઓમાં મોકલવામાં આવી હતી અને તે વિદેશી લાભાર્થીઓ માટે મોકલાય હતી.

સૂત્રોએ જણાવ્યું છે કે, અમે ૯૭૦ લાભાર્થીઓની ઓળખ કરી છે જેમણે અત્યાર સુધીમાં ૧૮૬૮૦ કરોડની કથિત રકમ આપવામાં આવી છે. જૈને ૧૧૪ વિદેશી બેંક ખાતાઓમાં ૧૧૮૦૦ કરોડ રૂપિયાના હવાલાનું સંચાલન કર્યું હતું. સૂત્રોએ કહ્યું હતું કે અનેક નકલી દસ્તાવેજો, નકલી જન્મ પ્રમાણપત્ર, પાનકાર્ડ અને મતદાર ઓળખ પત્ર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના આધાર પર બેંક ખાતાઓ અને બોગસ કંપનીઓને ચલાવામાં આવતી હતી.

જૈને લાંબા સમયથી તપાસ એજન્સીઓના રડાર ઉપર હતો અને ૨૦૧૬માં તેને વિદેશી મુદ્રા કાનૂન ઉલ્લંઘનના કેસમાં તેને ૧૨૦૦ કરોડ રૂપિયાની નોટીસ આપવામાં આવી હતી. તે વર્ષોથી ધન શોધન અને હવાલા જેવા પૈસાની લેવડ-દેવડમાં હતો તેના પર ડ્રગ તોડીને પણ પૈસા આપવાનો આરોપ છે. જૈન ૨૦૦૯માં દુબઇ ભાગી ગયો હતો અને તેની સામે ઇન્ટરપોલે ધરપકડની વોરન્ટ પણ જારી કર્યું હતું.

(10:40 am IST)