મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

જુના મિત્રો મળતા બાળકો ખુશખુશાલ

યુરોપમાં મહિનાઓ પછી ખુલી શાળાઓ

ફ્રાંસના વડાપ્રધાન બાળકો સાથે કલાસમાં બેઠા

નવી દિલ્હી તા. ૩ : યુરોપમાં લગભગ સવા કરોડ બાળકો મંગળવારે છ મહિના પછી શાળામાં ગયા. પહેલા દિવસના ઉત્સાહ વચ્ચે બાળકોએ શાળાની દિવાલો પર સાવચેતી રાખવાના સ્લોગનો અને ચિત્રો જોયા. અહીં રોજના હજારો કેસ આવી રહ્યા હોવા છતાં પહેલીવાર પોતાના બાળકને લઇને શાળાએ ગયેલ જેરોમ કંટીનેન્ટ કહે છે કે તે લોકો પુરી સાવચેતી રાખી રહ્યા છે.

વડાપ્રધાન જીન કાસ્ટેકસ પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે જઇને બેઠા હતા તો રાષ્ટ્રપતિ મૈકાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો દ્વારા બાળકોને શુભકામનાઓ આપી હતી. અલ્બાનિયા, ક્રોએશીયા, બલ્ગેરીયા, રોમાનિયા જેવા બાલ્કન દેશોમાં પણ શાળાઓ ચાલુ કરાઇ છે.

શિનજીયાંગ વિસ્તાર સિવાય ચીને પણ મંગળવાર સુધીમાં શાળાઓ ચાલુ કરી દીધી છે. અહીં બે સપ્તાહમાં એક પણ પોઝીટીવ કેસ નથી આવ્યો. જાન્યુઆરીમાં વિશ્વમાં કોરોનાનું કેન્દ્ર બનેલા વુહાનમાં પણ મંગળવારે ૨૮૪૦ શાળાઓ ચાલુ કરી દેવાઇ છે, જેમાં ૧૪ લાખ બાળકો ભણે છે. બાળકોનું ઉષ્ણતામાન માપીને તેમને હાથ ધોવાની ટેકનીક શીખવાડવામાં આવે છે, જ્યારે શિનજીયાંગમાં હજુ પણ ઘણા શહેરો લોકડાઉનમાં છે.

(10:42 am IST)