મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ભારતમાં વધી બેરોજગારી

શહેરી વિસ્તારમાં દર ૧૦માંથી ૧ વ્યકિત પાસે કામ નથી

કોરોના વાયરસની મહામારીની ગંભીર અસર ભારતની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે

નવી દિલ્હી,તા. ૩: કોરોના વાયરસની મહામારીની ગંભીર અસર ભારતની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાએપ્રિલ-જૂન કવાર્ટરમાં ૨૩.૯ ટકાનો મોટો ઘટાડો આવ્યો છે. ઈકોનોમી અંગે જેટલી ખરાબ શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી હતી, રિપોર્ટ તેના કરતા પણ વધુ ખરાબ આવ્યો છે. ભારતના શહેરી વિસ્તારમાં દર ૧૦માંથી ૧ વ્યકિત હાલ બેરોજગાર હોવાનું સામે આવ્યું છે.

એવી આશા હતી કે ભારતમાં લોકડાઉન બાદ અનલોક દરમિયાન ધીરે-ધીરે રોજગારીમાં વધારો થશે પણ ઓગસ્ટ ૨૦૨૦ના આંકડા ખૂબ જ નિરાશાજનક છે. જુલાઈની સરખામણીમાં દેશમાં ઓગસ્ટ મહિનામાં રોજગારીની તકમાં ઘટાડો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટમાં એવી જાણકારી મળી છે કે ઓગસ્ટ ૨૦૨૦માં ભારતમાં બેરોજગારીના દરમાં વધારો થયો છે. ઓગસ્ટમાં બેરોજગારી દર ૮.૩૫% નોંધાયો છે જે જુલાઈ મહિનામાં ૭.૪૩% હતો.

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર અનલોકમાં દેશમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને ધીરે-ધીરે અનલોક થઈ રહ્યું છે પણ નોકરીની સ્થિતિ હજુ ચિંતાજનક છે. દેશમાં બેરોજગારીની સમસ્યા સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટ મુજબ દેશમાં ઓગસ્ટમાં શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૯.૮૩% નોંધાયો છે જયારે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી દર ૭.૬૫% નોંધાયો છે.

પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે લોકડાઉન બાદ જેમ-જેમ દેશ અનલોક તરફ વધશે તેમ-તેમ રોજગારની સ્થિતિ વધુ સારી થશે. પણ, ઓગસ્ટમાં દેશમાં નોકરીના આંકડા સારા જોવા મળી રહ્યા નથી. આ પહેલા જૂન મહિનામાં કુલ બેરોજગારી દર ૧૦.૯૯% પર પહોંચ્યો હતો.

(11:04 am IST)