મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

આત્મનિર્ભર ભારત : ભારતીયોના દિલમાં વસી રહી છે ટ્વિટરનો વિકલ્પ ''કૂ''

બેંગલોરના બે યુવાનોએ બનાવેલ ''કૂ'' એપ ટ્વિટરને આપશે ટક્કર

નવી દિલ્હી, તા. ૩ : કોરોનાના મહામારીએ ભારતને આત્મનિર્ભર બનાવતા શીખવાડી દીધું છે ત્યારે, વડાપ્રધાન મોદીએ દેશ ભરમાં આત્મનિર્ભર બનાવવા દેશના તમામ નાગરિકોને પણ પ્રોત્સાહન આપ્યું છે ત્યારે બેંગલોરના બે યુવાનોએ ટ્વિટરનો વિકલ્પ ''કૂ'' વિકસિત કર્યો છે. ''કૂ''  ચાર ભારતીય ભાષાઓ હિન્દી , કન્નડ , તમિલ અને તેલુગુમાં છે. આ એપ્લિકેશનએ ન માત્ર આત્મનિર્ભર ભારત ઈનોવેશન ચેલેન્જ જીત્યું પરંતુ આ એપ્લિકેશનની તારીફ પણ વડાપ્રધાન મોદીએ  'મન કી બાત' કાર્યક્રમમાં પણ કરી હતી.

''કૂ''  એપ્લિકેશન બનાવનાર મયંકએ જણાવ્યું હતું કે આપના દેશમાં ૧૦૦ કરોડ એવા લોકો છે જે ઈંગ્લિશ ભાષામાં વાતો કરતાં નથી, ટ્વિટરમાં ૩૩ કરોડથી વધારે યુઝર્સ છે પરંતુ આપણી ભારતીય ભાષામાં ખૂબ જ ઓછા ટ્વિટ જોવા મળે છે. આખા વિશ્વમાંથી એક જ દિવસમાં ૨૦થી ૩૦ કરોડ ટ્વિટ રોજ થાય છે જેમાં વધુમાં વધુ  ૬૦થી ૭૦ હજાર જ ટ્વિટ આપણી ભારતીય ભાષામાં કરવામાં આવે છે, હિન્દી ભાષામાં ૫૦-૫૫ હજાર જયારે કન્નડ અને તમિલમાં લગભગ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા ટ્વિટ થાય છે. ટ્વિટર ભલે એક સ્થાપિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, પરંતુ હિન્દી ભાષીઓને થોડી મુશ્કેલી થતી હોય છે, આજે દેશમાં ૧૦ લાખ યુઝર્સ ''કૂ''  એપ્લિકેશન વાપરી રહ્યા છે.

કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે ?

''કૂ ''  એપ્લિકેશનમાં ૪૦૦ અક્ષર, ૧ મિનિટના ઓડિયો –વિડીયો કિલપ તેમજ જો કોઈ યુઝર્સ ઈંગ્લીશમાં લખે તો પણએ હિન્દીમાં જ રૂપાંતરિત થશે.

શા માટે ''કૂ''નામ રાખવામાં આવ્યું ?

મયંકએ જણાવ્યું હતું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ ''કૂ'' એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે બધી જ ભાષાઓમાં ''કૂ''નો અર્થ સમજી શકાય. ''કૂ'' એ કોયલથી પ્રેરિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ બીજો શબ્દ રાખત તો જુદી –જુદી ભાષામાં તેના જુદા જુદા અર્થદ્યટન કરવામાં આવત.

(2:44 pm IST)