મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

દિલ્હી અને NCRમાં રેલવે ટ્રેક પર 48000 ઝૂંપડપટ્ટીનો કબ્જો : સુપ્રીમ કોર્ટની લાલઆંખ :દબાણ હટાવવા આદેશ

તમામ કોર્ટ્સને આ ગેરકાયદે દબાણ અંગે વચગાળાનો કોઇ જ આદેશ નહીં આપવા તાકીદ

નવી દિલ્હીઃદિલ્હી અને NCRમાં રેલવે ટ્રેક પર 48000 ઝૂંપડપટ્ટીનો કબજો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે લાલ આંખ કરતા અતિક્રમણને હટાવવા આદેશ આપ્યો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટેએ તમામ  કોર્ટ્સને આ ગેરકાયદે દબાણ અંગે વચગાળાનો કોઇ જ આદેશ નહીં આપવા પણ તાકીદ કરી દીધી છે. જો કોઇ કોર્ટ આદેશ આપશે તો તે અમલી પણ બનશે નહીં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે એમસી મેહતા મામલે આ આદેશ આપ્યો હતો

ભારતીય રેલવે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે,દિલ્હી-એનસીઆરમાં 140 કિમી ટ્રેક લાઇન પર દબાણ છે. તેમાંથી 70 કિમી પર બહુ વધારે છે. જે આશરે 48000 ઝૂંપડપટ્ટી છે. NGTએ ઓક્ટોબર 2018માં આદેશ આપતા આ ઝૂંપડપટ્ટી હટાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાઇ હતી. પરંતુ રાજકીય દખલને કારણે રેલવે ટ્રેકની આસપાલની ઝૂંપડપટ્ટી હટાવી શકાઇ નહીં. આમાંથી કેટલુંક દબાણ તો રેલવેના સુરક્ષા ઝોનમાં છે. જે બહુ ચિંતાજનક છે.

સુપ્રીમકોર્ટે  પોતાના આદેશમાં જણાવ્યું કે આ ઝૂંપડપટ્ટી હટાવવા માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવે. રેલવે સુરક્ષા ઝોન પરનું દબાણ સૌથી પહેલાં હટાવવામાં આવે. આ કામ ત્રણ મહિનાની અંદર થઇ જવું જોઇએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે રેલવે લાઇનની આસપાસનું દબાણ હટાવવાના કામમાં કોઇ પણ પ્રકારના રાજકીય દબાણ અને દખલને સાંખી લેવામાં નહીં આવે.

જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 31 ઓગસ્ટે આપેલા પોતાના ચુકાદામાં આ કહ્યું છે કે,“રેલવે ટ્રેક પરનું આ દબાણ હટાવવાની કામગીરી રોકવા માટે કોઇ પણ કોર્ટ વચગાળાનો આદેશ આપશે નહીં. જો કોઇ કોર્ટ અતિક્રમણ મામલે વચગાળાનો આદેશ આપશે તો તે અમલી બનશે નહીં.

આ મામલે સર્વોચ્ચ અદાલત 1985 બાદથી સમય-સમયે દિલ્હી અને તેની આસપાસ પ્રદૂષણ મામલે આદેશ આપી રહી છે.સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મુરારી પણ સામેલ છે. બેન્ચે દિલ્હી શહેરી આશ્રય બોર્ડ, નિગમો અને રાજ્ય સરકારો જેવા કાયદાકીય ઓથોરિટીના સહકારથી પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો ટ્રેક પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

(8:20 pm IST)