મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

સુશાંતસિંહ કેસ : હવે મુંબઈ પોલીસના પૂર્વ અધિકારીઓ મીડિયા વિરૂદ્ધ કોર્ટમાં પહોંચ્યા

મીડિયા ટ્રાયલ બંધ કરાવવા 8 પૂર્વ પોલીસ અધિકારીઓની બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી :મીડિયાને સંયમ વર્તવા અને તપાસને નહીં અવરોધવા આદેશ

 

મુંબઈ :સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેટલીક ચેનલો પર ચાલી રહેલી મીડિયા ટ્રાયલ બંધ કરાવવા મહારાષ્ટ્રના 8 પૂર્વ પોલીસ અધિકારીઓએ બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે કેટલીક ટીવી ચેનલો દ્વારા મુંબઈ પોલીસ અને તેના અધિકારીઓને બદનામ કરવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. મનઘડંત વાતો અને જૂઠ્ઠાણા તેમજ પક્ષપાતભરી વાતો ફેલાવાઈ રહી છે. અરજદારોમાં મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ વડા અને મુંબઈ પોલીસનાં પૂર્વ અધિકારીઓ સામેલ છે જેમાં પૂર્વ ડીજીપી પી એસ પસરિચા, કે. સુબ્રમણ્યમ, ડી. શિવાનંદન, સંજીવ દયાલ, સતીશ ચંદ્ર માથુર અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર મહેશ એન. સિંહ તેમજ ધનંજય એન જાધવ તથા પૂર્વ એટીએસ પ્રમુખ કે પી રઘુવંશીનો સમાવેશ થાય છે.

બોમ્બે હાઈકોર્ટે કેસમાં મીડિયાને સંયમ જાળવવા અપીલ કરી છે જેથી તપાસ અવરોધાય નહીં. બોમ્બે હાઈકોર્ટનાં જસ્ટિસ સૈયદ અને જસ્ટિસ એસ પી તાવડેની બેન્ચે બે જાહેર હીતની અરજીનાં સંદર્ભમાં કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તેઓ સુશાંત કેસમાં તપાસનાં અહેવાલો રજૂ કરતી વખતે સંયમ જાળવશે. કોર્ટ કેસમાં આવતા અઠવાડીયે ચેનલો અને સીબીઆઈનાં પ્રતિનિધિઓની દલીલોને સાંભળશે

કેટલીક ટીવી ચેનલો દ્વારા ભેદભાવયુક્ત રિપોર્ટિંગ કરાઈ રહ્યું છે અને ખોટો પ્રચાર કરીને કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી તપાસને પ્રભાવિત કરવાની કોશિશ કરાઈ રહી છે. પરિણામે પોલીસ અધિકારીઓ બદનામ થઈ રહ્યા છે અને લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઘટી રહ્યો છે. ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરાતું નથી. મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.તેવી રજૂઆત અરજીમાં કરાઈ હતી.

(11:58 pm IST)