મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd November 2020

બાંગ્લાદેશમાં અફવાઓ બાદ હિંદુઓના ઘરો સળગાવ્યા

મોટી તોડફોડ કરીઃ ર મંદિરોને નુકશાન : તાત્કાલીક પગલા લઇ સજા ફટકારાઇ : ફેસબુક પોસ્ટ પરથી વિવાદ સર્જાયોઃ સરકાર વિરોધી જૂથે ટોળાં ભેગાં કર્યા

ઢાંકાઃ બાંગ્લાદેશમાં ફેસબુક પર આપતિજનક પોસ્ટ કરવામાં આવી હોવાની અફવાને પગલે કેટલાક કટ્ટરવાદી જુથોના કાર્યકરોએ કોમીલા જિલ્લામાં હિંદુઓના મકાનો પર હુમલા કરી આગ ચાંપી હતી, તોડફોડ કરી હતી. ફ્રાન્સમાં રહેતા એક બાંગ્લાદેશીએ ફેસબુક પર ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોની પ્રશંસા સાથે કથીત રીતે કેટલીક ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે. આ ટિપ્પણી  પર કેટલાક લોકોએ કોમેન્ટસ કરી હતી. આ તમામ બાબતોને લીધે સ્થાનીક વિસ્તારમાં અજંપો ફેલાયો હતો.

એક આક્ષેપ અનુસાર સરકાર વિરોધી પાર્ટીના લોકોએ ટોળાં ભેગા કર્યા હતાં અને આ હુમલા કર્યા હતા. તેમાં બે હિંદુ મંદિરોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. વાતાવરણ ડહોળાય નહીં તે માટે સ્થાનીક પોલીસ તરત જ સક્રિય થઇ હતી. વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનારા લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

તોફાનગ્રસ્ત વિસ્તારોમાં વધારાની પોલીસ કૂમકો મોકલાઇ હતી. હુમલામાં સંડોવાયેલા લોકોને વીડીયો ફુટેજ દ્વારા ઓળખી કાઢી એક મોબાઇલ કોર્ટ દ્વારા તેમને તત્કાળ દોઢ વર્ષની કેદની સજા ફટકારી હતી.

(11:41 am IST)