મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd November 2021

નાઈજીરીયામાં 21 માળની ઈમારત ધરાશયી: 100થી વધુ લોકો કાટમાળમાં ફસાયાની આશંકા: 6 લોકોના મોત

લાગોસના ઇકોઇ જિલ્લામાં દુર્ઘટના :ઈમારતનો કાટમાળ હટાવવા માટે મોટા મશીનોનો ઉપયોગ

આફ્રિકન દેશ નાઈજીરિયામાંથી ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. આર્થિક રાજધાની લાગોસમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક ઉંચી નિર્માણાધીન ઈમારત પત્તાની માફક ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.જ્યારે કાટમાળ નીચે 100થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. આ માહિતી સ્થાનીક અધિકારીઓએ આપી છે

ઈમારતનો કાટમાળ હટાવવા માટે મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઈમારત 21 માળની હતી. આ ઘટના લાગોસના ઇકોઇ જિલ્લામાં બની હતી. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે ઈમારતની અંદર ઘણા કામદારો પણ ફસાયેલા છે.

તેમણે કહ્યું કે ચાર લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. તેઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ હોસ્પિટલો સહિતની ઈમરજન્સી સેવાઓને સક્રિય કરવા માટે બચાવના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી છે. ઘટનાસ્થળ પર નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે જ્યારે બિલ્ડિંગ પડી ત્યારે તેમના સંખ્યાબંધ સાથીદારો અંદર હતા.

(12:44 am IST)