મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd November 2021

ગ્રાહકને જાગવાનું કહી તંત્ર સૂઇ ગયુ છે !?

મોંઘવારી સાથે તોલમાપની છેતરપિંડી : 'લુંટાવ ગ્રાહક લૂંટાવ' : નવુ સૂત્ર

શાકભાજીથી લઇ પેટ્રોલ સુધીની જીવન જરૂરીવસ્તુઓમાં કયાંય તોલમાપ અંગે કોઇ ચેકીંગ જ નહી ?!! : કયાંક પાણાથી વજન થાય, કયાંક ઇલેકટ્રીક કાંટામાં ગોલમાલ અને પેટ્રોલ પંપમાં તો પોઇન્ટ ચડાવવાની રીત વર્ષોથી જાણીતી છે : તંત્ર છે કે નહી !

રાજકોટ તા. ૩ : હાલમાં મોંઘવારીનો અસહ્યમાર સામાન્ય પ્રજા ભોગવી રહી છે. કોરોનાકાળની મંદીમાંથી માંડ ઉભરી રહેલા લોકો ઉપર હવે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ જેવા ઇંધણના ભાવ વધારાએ પ્રજાને અસહ્ય મોંઘવારીના ખપ્પરમાં ભીડવી દીધી છે તેની સાથોસાથ ગ્રાહકો સાથે તોલમાપમાં થતી છેતરપીંડી પણ બેલગામ બની છે. ગ્રાહકો છેતરાઇ રહ્યા છે ત્યારે તંત્ર તમાશો જોઇ રહ્યાની લાગણી આમ જનતામાં ફેલાઇ છે.

સરકાર દ્વારા તોલમાપની છેતરપીંડી અટકાવવા ખાસ 'તોલમાપ' વિભાગ કાર્યરત છે. પરંતુ આ વિભાગે તપાસ કરી ગ્રાહકો સાથે થતા છેતરપીંડી રોકી હોય તેવા કિસ્સાઓ કયાંય બહાર આવતા નથી. માત્રને માત્ર 'ગ્રાહક દિન' આવે ત્યારે ગ્રાહક હીતની સંસ્થઓ 'જાગો ગ્રાહક જાગો'ના નારા લગાવી અને સૂઇ જાય છે. સરકારી તંત્ર પણ આમ જ ઉંઘતુ રહે છે.

કેમકે જગજાહેર છે કે 'પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરવાના ફીલરનો ઘોડો દબાવીને ગ્રાહકોને બેથી ત્રણ પોઇન્ટ કયારેક પાંચ - પાંચ પોઇન્ટ સુધી પેટ્રોલ ઓછું આપવામાં આવે છે. આ રોજીંદુ છે.' પેટ્રોલ પુરાવનાર ગ્રાહક પણ આ જાણે છે પરંતુ લાચાર બની જોતો રહે છે. કેમકે સરકારી તંત્ર દ્વારા ગ્રાહકોની ફરિયાદો કચરા ટોપલીમાં પધરાવી દેવાય છે. પેટ્રોલ પંપમાં તોલમાપ વિભાગનું ચેકીંગ થયું હોય તેવા કિસ્સો સાંભળ્યાને વર્ષો થઇ ગયા.

આજ પ્રકારે શાકભાજી, કરિયાણાની દુકાનો વગેરે જેવા સ્થળે પણ ત્રાજવા - તોલા અને હવે ઇલેકટ્રીક વજનકાંટાની ગોલમાલથી ગ્રાહકને ઓછી વસ્તુ આપવાનો કિમીયો પણ જગજાહેર છે છતાં કયારેય તંત્રએ આવા સ્થળે ચેકીંગની તસ્દી લીધી નથી. તહેવારોમાં ગ્રાહકો બેફામ લુંટાય છે ત્યારે જે પ્રકારે આરોગ્ય અને પોલીસ તંત્ર જે પ્રકારે પ્રજાહિતમાં સતત ચેકીંગ કરે છે તે પ્રકારે જો તોલમાપ વિભાગનું ચેકીંગ શરૂ કરવામાં આવે તો ગ્રાહકો સાથે થતી છેતરપીંડી ઉપર લગામ આવે અને મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજાને થોડી રાહત થાય તેમ છે તેવી લોકમાંગણ ઉઠવા પામી છે.

(11:29 am IST)