પાટણ એસપી કચેરી સંકુલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પાંચ પૈકી ૧૨ વર્ષીય દિકરીનું મોત
પાટણ,તા. ૩ : હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઇ છનાભાઇ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રીને એક વર્ષ અગાઉ કચ્છનો કમલેશ ગોસાઇ નામનો શખ્સ ભગાડી ગયો હતો. છતાં હજી સુધી તેની પત્નીનો કોઇ પત્તો ના લાગતા સોમવારે બપોરેના અરસામાં તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ એસપી કચેરી સંકુલમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં રેવાભાઇ પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસ ગંભીર હાલતમાં આઇસીયુમાં સારવાર ચાલતી હતી. પરંતુ બુધવારે વધુ સારવાર માટે પિતા સહિત ૪ બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જેમાં ૨ અમદાવાદ એપોલો હોસ્પિટલમાં અને ૩ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરિવારની ૧૨ વર્ષની દીકરી ભાનુબેન પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની હાલત પણ નાજુક છે. મૃતક માસુમની લાશને અંતિમવિધિ માટે પોતાના માદરે વતન ખાખલ ગામે લાવવામાં આવતા પરિવારના સગા સંબંધી અને સ્નેહિજનોમાં ઘેરા શોકની કાલીમાં છવાઇ જવા પામી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.