મુખ્ય સમાચાર
News of Friday, 3rd December 2021

ગીતા ગોપીનાથન IMFના પહેલા ડે.મેનેજિંગ ડાયરેક્ટર

આઈએમએફે ભારતીય મૂળના અર્થશાસ્ત્રીને પ્રમોશન આપ્યું : ગીતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનાં હતા, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશેનવી

દિલ્હી, તા.૩ : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.

ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વખત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.૭માં મારા ૪૫ ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.

દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.૧૯૯૪માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.૧૯૯૬ થી ૨૦૦૧ સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.

આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને ૧૮ વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.૨૦૦૧ થી ૨૦૦૫ સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર ૪૦ રિસર્ચ પેપર પણ લખ્યા છે.

ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં ૮૦ ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.

તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.

(7:37 pm IST)