મુખ્ય સમાચાર
News of Friday, 3rd December 2021

CCTV લગાવવામાં દિલ્હી વિશ્વમાં નંબર વન : કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાનનો દાવો : સાત વર્ષમાં દિલ્હીમાં ૨.૭૫ લાખ સીસીટીવી લગાવાયા, આ મામલામાં લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતા આગળ

નવી દિલ્હી, તા.૩ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, શહેરમાં સીસીટીવી લગાવવામાં દિલ્હી આખી દુનિયામાં નંબર વન પર છે.

તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા સાત વર્ષમાં અમારી સરકારે દિલ્હીમાં ૨.૭૫ લાખ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને આ મામલામાં તો આપણે લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતા પણ આગળ નિકલી ગયા છે.કોઈ પણ શહેરમાં એક માઈલના રેડિયસમાં લાગેલા કેમેરાની ગણતરી કરવામાં આવે તો દિલ્હી દુનિયામાં નંબર વન છે.

કેજરીવાલે કહ્યુ હતુ કે, એક સંસ્થાએ કરેલા સર્વે પ્રમાણે દિલ્હીમાં દરેક ચોરસ માઈલમાં ૧૮૨૬ સીસીટીવી કેમેરા લાગેલા છે.બીજા ક્રમે લંડન છે જ્યાં ૧૧૩૮ કેમેરા પ્રતિ ચોરસ માઈલ લાગેલા છે.જ્યારથી કેમેરા લાગ્યા છે ત્યારથી મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે.પોલીસને પણ કોઈ પણ અપરાધને સોલ્વ કરવામાં મદદ મળી રહી છે.

તેમણે એલાન કર્યુ હતુ કે, દિલ્હીમાં હજી ૧.૪૦ લાખ કેમેરા બીજા પણ લાગવાના છે.

લોકો જાણે છે કે, કેન્દ્ર સરકારે કેમેરા લગાવવા માટે કેટલા વિઘ્નો ઉભા કર્યા હતા.ભારત સરકારની જ કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ કેમેરા લગાવી રહી છે અને તેની ગુણવત્તા બહુ સારી છે.ખરાબ કેમેરા તરત જ રિપેર કરી દેવામાં આવે છે.કેમેરામાં ૩૦ દિવસનુ રેકોર્ડિંગ રહે છે.સત્તાવાર રીતે નિમાયેલા લોકો કેમેરાનુ રેકોકર્ડિંગ સતત જોતા રહે છે અને આ કેમેરા રાત્રે પણ કામ કરે છે.

(7:34 pm IST)