મુખ્ય સમાચાર
News of Tuesday, 4th January 2022

રસીકરણમાં યુવાનોમાં જબરજસ્ત ઉત્સાહ જોવાયો : પહેલા દિવસે 40 લાખ લોકોએ લીધો પહેલો ડોઝ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હી : કોરોના સામેના જંગમાં દેશના યુવાનોએ હવે બીડુ ઉઠાવ્યું છે. 15થી 18 વર્ષના કિશોરોના વેક્સિનેશનના પહેલા દિવસે 40 લાખ લોકોએ વેક્સિન લઈને દેશને નવો માર્ગ ચીંધ્યો છે. પહેલા દિવસે રેકોર્ડબ્રેક સંખ્યામાં યુવાનોએ વેક્સિન લીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે  મિશનના પ્રથમ દિવસે ૪૦ લાખથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.2007 અને તે પહેલાં જન્મેલા બાળકો કોરોના રસી લઈ  શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કિશોરોને માત્ર કોવાક્સિનનો ડોઝ આપવામાં આવશે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનો વધારાનો ડોઝ મોકલવામાં આવશે.

દેશમાં 15-18 વર્ષની કેટગરીમાં 8 કરોડ બાળકો છે અને લગભગ 6 કરોડ સ્કૂલના બાળકો છે. આ તમામનું વેક્સિનેશન થવાનું છે. આ કેટેગરીમાં કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવનારના આંકડા ઘણા ઉત્સાહજનક છે. મોટી સંખ્યામાં કિશોર રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. 

પ્રધાનમંત્રી મોદીએ વેક્સિન લેનાર કિશોરો અને તેમના પરિવારજનોને અભિનંદ આપ્યાં હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોનાથી યુવાનોને બચાવવાની દિશામાં આજે અમે એક મહત્વનું પગલું ભર્યું છે. વેક્સિન લેનાર 15થી 18 વર્ષના તમામ કિશોરોને અભિનંદન. યુવાનોને અપીલ કે આગામી દિવસોમાં વધારેમાં વધારે લોકો વેક્સિન લે. 

કિશોરોના વેક્સિનેશનમાં મધ્યપ્રદેશે બાજી મારી છે. મધ્યપ્રદેશમાં પહેલા દિવસે 7.5 લાખ યુવાનોએ કોરોના વેક્સિન લીધી છે.  મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આ વય જૂથના તમામ 48 લાખ યુવાનોના રસીકરણ માટે 20 જાન્યુઆરીએ મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે.

(10:31 pm IST)