મુખ્ય સમાચાર
News of Tuesday, 4th January 2022

મુંબઈમાં ધો.૧-૯,૧૧માની શાળાઓ ૩૧મી સુધી બંધ

વિશ્વભરમાં ઓમિક્રોનને લીધે કોરોનાની સુનામી : ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની શાળાઓ રાબેતામુજબ ચાલુ રહેશે, બંધ ધોરણોમાં ઓનલાઈન શિક્ષણ અપાશે

મુંબઈ તા.૩ : દુનિયાભરમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે કોરોના કેસોની સુનામી જોવા મળી રહી છે. દેશમાં પણ કોરોનાના દૈનિક કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે.

રવિવારે મુંબઈમાં આઠ હજારથી પણ વધારે કોરોનાનાં કેસો નોંધાયા હતા. જે બાદ મુંબઈમાં બીએમસી સંચાલિત ધોરણ ૧થી ૯ અને ૧૧ની શાળાઓ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની શાળાઓ રાબેતામુજબ ચાલુ રહેશે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૧ હજારથી પણ વધારે કેસો નોંધાયા હતા. બીએમસીએ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર ધોરણ ૧૦ અને ૧૨ સિવાયની તમામ શાળાઓ કે જે ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન છે તે બંધ રહેશે.

તાત્કાલિક ધોરણથી ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ની શાળાકીય પ્રવૃતિ ઓનલાઈન મોડથી કરવામાં આવશે. શાળાઓ દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદની કોરોનાના કેસોની સ્થિતિ અંગે સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં આજથી ૧૫થી ૧૮ વર્ષના વયજૂથ માટે રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બાળકોના રસીકરણ અંગે બીએમસીએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં ૧૫થી ૧૮ વર્ષના તમામ ૪.૫ લાખ બાળકોનું રસીકરણ કરી દેવામાં આવશે. બે અઠવાડિયાના સમયમાં મુંબઈમાં પોઝિટિવિટી રેટ ૧ ટકાથી વધીને ૧૭ ટકા થઈ ગયો છે.

(12:00 am IST)