મુખ્ય સમાચાર
News of Tuesday, 4th January 2022

તાલિબાનનું નવું ફરમાન

મહિલાઓએ બાથરૂમમાં હિજાબ પહેરીને સ્નાન કરવું પડશે : બોડી મસાજ પર પણ પ્રતિબંધ

જે લોકોના ઘરમાં બાથરૂમ નથી, તેની પુરૂષોને કોમન બાથરૂમમાં જવાની છૂટ છે, પરંતુ મહિલાઓએ હિજાબ પહેરીને ખાનગી બાથરૂમમાં જ જવું પડશે

કાબુલ,તા. ૪ : અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર તાલિબાનના અત્યાચાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. હવે તાલિબાને એક ફરમાન બહાર પાડીને સામાન્ય મહિલાઓના બાથરૂમ પર પ્રતિબંધ મૂકયો છે. ઉઝબેકિસ્તાનને અડીને આવેલા બલ્ખ પ્રાંતમાં મહિલાઓને લઈને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ મુજબ હવે મહિલાઓ સાર્વજનિક બાથરૂમમાં સ્નાન કરી શકશે નહીં. તે પોતાના ખાનગી બાથરૂમમાં સ્નાન કરી શકશે અને આ સમય દરમિયાન તેણે ઈસ્લામિક હિજાબ પહેરવો પડશે. અગાઉ, પશ્ચિમ હેરાત પ્રાંતમાં સ્થાનિક સત્ત્।ાવાળાઓએ મહિલાઓના કોમન બાથરૂમને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા.

વર્ચ્યુ અને પ્રિવેન્શન ઓફ વાઇસ પ્રમોશન ડિરેકટોરેટના વડાએ કહ્યું કે ઉલેમાઓ સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓના હિત માટે આ પગલું લેવામાં આવ્યું છે જેથી ઇસ્લામ અનુસાર નિયમો લાગુ કરી શકાય.

તાલિબાની ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે લોકોના ઘરમાં આધુનિક બાથરૂમ નથી, તેથી પુરુષોને કોમન બાથરૂમમાં જવાની છૂટ છે. પરંતુ મહિલાઓને કોમન બાથરૂમમાં જવા દેવામાં આવશે નહીં. મહિલાઓ ફકત ખાનગી બાથરૂમનો ઉપયોગ કરી શકે છે. જો કે, મહિલાઓએ હિજાબ પહેરીને પ્રાઈવેટ બાથરૂમમાં જવું જોઈએ. રિપોર્ટ અનુસાર, સગીર છોકરાઓને પણ કોમન બાથરૂમ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાલિબાન શાસને બોડી મસાજને લઈને ફરમાન બહાર પાડ્યું છે. છોકરાઓ માટે કોમન બાથરૂમ પર પણ પ્રતિબંધ છે તેમજ બોડી મસાજને લઈને છોકરાઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તાલિબાને સમગ્ર દેશમાં મહિલાઓની મુસાફરીને ૪૫ માઈલ સુધી મર્યાદિત કરી છે. હવે કોઈપણ ડ્રાઈવર પોતાની કારની આગળની સીટ પર બે મહિલાઓને બેસાડશે નહીં. જો કોઈ આવું કરે છે તો તેના માટે સજાની જોગવાઈ છે.

(9:59 am IST)