મુખ્ય સમાચાર
News of Saturday, 4th February 2023

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી એશિયા કપનું યજમાનપદ સરક્યું :હવે માર્ચમાં સ્થળ થશે નક્કી

જય શાહની અધ્યક્ષતામાં યોજાયેલ ACCની ઇમર્જન્સી બેઠકમાં લેવાયો નિર્ણય

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી એશિયા કપ 2023ની યજમાન પદની ભૂમિકા હાથમાંથી સરકી ગઈ છે. આ પહેલા જ BCCI એ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન પ્રવાસ ખેડવાને લઈ ના ભણી દેવામાં આવી હતી. ત્યારથી જ એશિયા કપના સ્થળને લઈ તટસ્થ સ્થળ માટે ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે ઈમર્જન્સી બેઠક ACC ની યોજવામાં આવી હતી અને જેમાં હવે વાત સ્પષ્ટ બની ચુકી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે. જેમની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો એશિયા કપને લઈને હતો. આગામી એશિયા કપ વનડે ફોર્મેટમાં યોજવામાં આવનાર છે. જે આગામી વનડે વિશ્વકપ પહેલા મહત્વની ટૂર્નામેન્ટ માનવામાં આવી રહી છે.

 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાની જ ધરતી પર ટૂર્નામેન્ટના આયોજનને લઈ વિવાદો સર્જવામાં આવ્યા હતા. બીસીસીઆઈ સામે પણ આક્ષેપો કરવા લાગ્યા હતા. જોકે ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે નહીં મોકલવા માટે બીસીસીઆઈએ પહેલાથી જ નિવેદન ગત વર્ષે કરી દીધુ હતુ. જે વાત પર બોર્ડ અડગ હતુ અને મામલો હવે ઈમર્જન્સી બેઠક પર પહોંચ્યો હતો.

પીસીબીના અધ્યક્ષ નજમ શેઠી દ્વારા એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે હવે પાકિસ્તાનના હાથમાંથી એશિયા કપનુ યજમાન પદ સરકી ગયુ છે. હવે એશિયા કપ ટૂર્નામેન્ટ માટે વૈકલ્પિક સ્થળ અંગે આગામી માર્ચ મહિનામાં નિર્ણય કરવામાં આવશે. શેઠી આ માટે જય શાહ સાથે મુલાકાત યોજી હતી અને જેમાં વૈકલ્પિક સ્થળ પર જ પસંદગી ઉતારવામાં આવી હતી. હવે ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી બહાર યુએઈ અને શારજાહમાં યોજાઈ શકે છે. જોકે આ નિર્ણય માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે.

ACCના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે સેઠી તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા અને જો તેઓ પહેલી જ બેઠકમાં પીછેહઠ કરે તો તેમના દેશમાં તેનું ખરાબ પ્રતિબિંબ પડત. પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન પીસીબી માટે ખોટનો સોદો સાબિત થશે, ભલે એસીસી તેના માટે અનુદાન આપે. તેથી, વ્યૂહાત્મક રીતે જો ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવામાં આવે છે, તો એવી સંભાવના છે કે તમામ સભ્ય દેશોને પ્રસારણની આવકમાંથી તેમનો હિસ્સો પણ મળે.

(12:40 am IST)