મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

યુથ કોંગ્રેસ પાસેથી ઓક્સિજન લેવા મુદ્દે કિવી જેસિંડા ભડક્યા

ભારતમાં ન્યૂઝીલેન્ડ એમ્બેસીમાં ઓક્સિજનનો વિવાદ : ન્યૂઝીલેન્ડનો કોઈ રાજદ્વારી સંક્રમિત ન હોવાની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. ૩ : ભારત ખાતેની ન્યૂઝીલેન્ડની એમ્બેસીમાં ઓક્સિજનની જરૂરિયાત અને તેની આપૂર્તિને લઈ સર્જાયેલા વિવાદ મામલે ન્યૂઝીલેન્ડના વડાંપ્રધાન જેસિંડા એર્ડર્ન સામે આવ્યા છે. જેસિંડાના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજનની માંગણી કરતી ટ્વીટ એક સ્થાનિક સ્ટાફ માટે કરી હતી કારણ કે, તે બીમાર હતો. જો કે, સાથે જ તેમણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજન મેળવવા અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું.

હકીકતે કોંગ્રેસ પાર્ટીના યુવા મોરચાએ ન્યૂઝીલેન્ડ એમ્બેસીને ઓક્સિજન પહોંચાડ્યો હતો અને તેને કારણે વિવાદ થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે હાઈકમિશન અને એમ્બેસીઓમાં કોવિડ સાથે સંકળાયેલી આપૂર્તિ મામલે સોશિયલ મીડિયા પર લખવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ભારત ખાતેના ન્યૂઝીલેન્ડ હાઈકમિશને ટ્વીટ કરીને માફી માંગી હતી. ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ પણ ઓક્સિજનની માંગણી કરતી પોસ્ટ ડીલિટ કરીને તેના સ્પષ્ટીકરણની ટ્વીટ કરી હતી.

ન્યૂઝીલેન્ડ વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે હાઈકમિશનનો કેટલોક સ્થાનિક સ્ટાફ કોવિડથી સંક્રમિત છે અને તે પૈકીના એકની સ્થિતિ વધુ ખરાબ હોવાથી ઓક્સિજનની જરૂર પડી હતી. સાથે જ ન્યૂઝીલેન્ડનો કોઈ રાજદ્વારી કોરોના સંક્રમિત ન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

(12:00 am IST)