મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

કોરોના સામે જંગમાં ભારતને મળશે ચોથી વેક્સીન : મંજૂરી અપાવવા માટે ફાઇઝરની વાતચીત ચાલુ

વિશ્વની સૌથી સફળ વેક્સીન બનાવનારી કંપની ફાઇઝર ભારતના સંપર્કમાં

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ વિરૂદ્ધ જંગ માટે ભારતને ચોથી કોરોના વેક્સીન મળી શકે છે. વિશ્વની સૌથી સફળ વેક્સીન બનાવનારી કંપની ફાઇઝર ભારતના સંપર્કમાં છે. ભારતમાં પોતાની કોરોના વેક્સીનને મંજૂરી અપાવવા માટે વાતચીત કરી રહી છે. ફાઇઝર અમેરિકન વેક્સીન કંપની છે, જે હવે ભારત આવી શકે છે. કેટલાક એક્સપર્ટે આ રસીને કોરોના સંક્રમણ વિરૂદ્ધ સૌથી સફળ માની છે

આ રસીએ તમામ ટ્રાયલોમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ 92 ટકાથી 95 ટકા સુધીની ક્ષમતા બતાવી હતી. વેક્સીનનું નામ BNT162b2 છે, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ અસરદાર અને સુરક્ષિત કોરોના વેક્સીનની યાદીમાં સામેલ કરી છે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. સ્થિતિ કાબુથી બહાર થઇ ગઇ છે. એવામાં ભારત સરકાર વેક્સીનેશનને કોરોના સામે લડવામાં સૌથી મોટા ઉપાયના રૂપમાં જોઇ રહી છે. ભારતમાં કોવિશીલ્ડ અને કોવૈક્સીન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક Vને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. 1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકો માટે પણ રસીકરણ શરૂ થઇ ગયુ છે.

ભારતમાં વેક્સીન આવ્યા પહેલા જ ફાઇઝર કંપનીએ એક શરત રાખી છે. ફાઇઝરે કહ્યુ કે તે પોતાની કોવિડ-19 વેક્સીન માત્ર સરકારી કોન્ટ્રાક્ટના માધ્યમથી જ આપશે, જેનો અર્થ એવો થયો કે આ વેક્સીન દેશની પ્રાઇવેટ હોસ્પિટલોમાં ના મળે, જ્યાર સુધી સરકાર આ પ્રાઇવેટ સંસ્થાઓને આ વેક્સીન ના આપે.

ફાઇઝરે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારતે પોતાની કોવિડ રસીની રણનીતિમાં એક બાદ એક બદલાવ કર્યા છે, તેને કંપનીઓને આ ઓપ્શન આપ્યો છે કે તે થોડા વધુ ભાવમાં રાજ્ય અથવા પછી પ્રાઇવેટ હોસ્પિટલોને પણ પોતાની વેક્સીન વેચી શકે છે. આ વિશે ફાઇઝરના એક પ્રવક્તાએ કહ્યુ કે કંપની ભારતમાં વેક્સીન જરૂર આપશે પરંતુ મહામારીના આ સમયમાં તે સરકારી રસીકરણના કાર્યક્રમોને પ્રાથમિકતા આપશે.

(12:00 am IST)