મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

મહારાષ્ટ્રમાં 'શિવભોજન-થાળી' એ વિક્રમ સર્જ્યો : ચાર કરોડથી વધુએ લાભ લીધો

રાજ્યના ગરીબ વર્ગનાં લોકોને માત્ર પાંચ રૂપિયામાં 'શિવભોજન થાળી' ઉપલબ્ધ કરાવવામાં આવે છે

 

મુંબઇ,તા. ૪: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સુચના અનુસાર, મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના ગરીબ, બેઘર, ખેડૂતવર્ગ, મજૂરવર્ગના લોકો અને વિદ્યાર્થીઓની ભૂખ દૂર કરવા માટે 'શિવભોજન થાળી' નામે મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. રાજ્યના ખાદ્યપદાર્થો, નાગરિક પુરવઠા અને ગ્રાહક સંરક્ષણ ખાતાના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું છે કે, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧થી લઇને ૧ મે ૨૦૨૧ સુધીમાં મહારાષ્ટ્રમાં ૪ કરોડથી વધારે લોકોએ 'શિવભોજન થાળી'નો લાભ મેળવ્યો છે.

રાજ્ય સરકારે ૨૦૨૦ની ૨૬ જાન્યુઆરીથી આ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યના ગરીબ વર્ગના લોકોને માત્ર પાંચ રૂપિયામાં 'શિવભોજન થાળી' ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલ કોરોના વાયરસ રોગચાળો ફેલાયો હોવાથી ઘણા ગરીબ, મજૂર લોકોને જમવાની મુશ્કેલી પડતી હોવાથી અને લોકડાઉન પણ લાગુ કરાયું હોવાથી રાજ્ય સરકારે 'શિવભોજન થાળી' મફત કરી દીધી છે. શિવભોજન કેન્દ્રો પરથી દરરોજ 'શિવભોજન થાળી'નું વિતરણ કરવામાં આવે છે. જિલ્લા વિસ્તારોમાં આ થાળીની સંખ્યા પાંચ ગણી વધારવામાં આવી છે. શિવભોજન માટેનો સમય સવારે ૧૧ થી બપોરે ૩ સુધી રાખવામાં આવ્યો છે. સરકાર શહેરી વિસ્તારોમાં પ્રતિ પ્લેટ રૂ. ૪૫ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ૩૦ રૂપિયા પ્રતિ પ્લેટની સબ્સિડી આપે છે.

(10:47 am IST)