મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

૫શ્ચિમ બંગાળ પછી ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષના સૂપડા સાફ : ખુદ વડાપ્રધાનના સંસદીય વિસ્તારમાં પણ ભાજપને જબરો પરાજય મળ્યો

પશ્ચિમ બંગાળના પરીણામોએ ભાજપને ઉંધે માથે કરી દીધેલ છે ત્યારે ઉત્તરપ્રદેશની પંચાયત ચૂંટણીઓમાં ભાજપને ૪૪૦ વોલ્ટનો જબરો ઝાટકો આપી અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પક્ષે ભાજપને જબરી લપડાક મારી છે. અયોધ્યાથી માંડીને મથુરા અને કાશી સહિત ઉત્તરપ્રદેશમાં જે રીતે ભાજપને પરાજય મળ્યો છે તેનાથી સોંપો પડી ગયો છે. અયોધ્યા જીલ્લા પંચાયતની ૪૦માંથી ૨૪ બેઠકો ઉપર અખિલેશનો વિજય થયો છે. જયારે ભાજપને માત્ર ૬ બેઠક મળી છે. જયારે ૧૨ બેઠક અપક્ષ ઉમેદવારોને મળી છે. નરેન્દ્રભાઇના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાયાનું ખાનગી ટીવી ચેનલ નોંધે છે. ભાજપને કાશીમાં જીલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજય મળ્યો છે. સમાજવાદી પક્ષે અહિં ૧૪ બેઠકો આંચકી લીધી છે. ભાજપને માત્ર ૮ બેઠકો મળી છે. બસપાએ ૫ બેઠકો ખુંચવી લીધી છે. જયારે અપક્ષ ૩ બેઠક મળી છે. ૨૦૧૫થી ભાજપ અહિં હારતી આવી છે. આવી જ સ્થિતિ મથુરામાં થઈ છે. અહિં પણ ભાજપનો પરાજય થયો છે. બસપાના બહુજન સમાજ પક્ષના ૧૨ ઉમેદવારો જીતી ગયા છે. આરએલડી પક્ષને ૯ બેઠકો મળી છે. ૩ અપક્ષોને મળેલ છે. જયારે ભાજપને માત્ર ૮ બેઠક મળી છે. મથુરામાં કોંગ્રેસનું સંપૂર્ણ ધોવાણ થયુ છે. તેના જીલ્લા અધ્યક્ષ પણ હારી ગયા છે.

(12:53 pm IST)